<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભવાનીનગરના વિક્કીની કારને સ્‍કોર્પિયોથી ટક્કર મારી ઘુસ્‍તાવ્‍યોઃ માથેથી ખૂનની ધમકી

યુવાન તેના પત્‍નિ, ભાઇ, સંબંધી સાથે ગીરથી આવતો'તો ત્‍યારે રીબડાથી પીછો કરાયો વિક્કીએ દોઢ વર્ષ પહેલા જેને છુટાછેડા આપ્‍યા'તા એ સપના હાલ ઇમરાન સાથે રહે છેઃ મનદુઃખ રાખી ઇમરાન, મિલન અને અજાણ્‍યાએ ડખ્‍ખો કર્યોઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: ગીર સોમનાથથી પોતાના પરિવાર સાથે રાજકોટ પરત આવી રહેલા રામનાથપરા ભવાનીનગરના યુવાનની કારનો ફિલ્‍મી ઢબે પીછો કરી અકસ્‍માત સર્જીને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. યુવાને જેને દોઢ વર્ષ પહેલા છુટાછેડા આપ્‍યા હતાં તે યુવતિ હાલમાં જેની સાથે પ્રેમસંબંધ ધરાવે છે એ શખ્‍સે ખાર રાખી આ હુમલો કર્યાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં આજીડેમ પોલીસે રામનાથપરા ભવાનીનગર મેઇન રોડ પર રામાપીરના મંદિર પાસે  રહેતાં વિક્કીભાઇ અશોકભાઇ ચાવડા (ઉ.વ.૨૭) નામના યુવાનની ફરિયાદ પરથી ઇમરાન ઉર્ફે પપ્‍પુ, મિલન ઉર્ફે લલીયો અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. વિક્કીભાઇ પરિવાર સાથે રહે છે અને કોઠારીયા સોલવન્‍ટ પાસે લપ્‍ટવેલ હાઇડ્રોલીક નામના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે.

તેણે ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તા. ૬ના રોજ રાત્રિના આશરે બે વાગ્‍યાના સુમારે તેઓ તેમની સ્‍વિફ્‌ટ કાર લઈને પત્‍નિ જલ્‍પાબેન, નાનો ભાઈ વિવેક અને સબંધી જમનાબેન સાથે ગીર-જૂનાગઢથી રાજકોટ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રીબડા ગામ નજીકથી એક અજાણ્‍યા નંબરની સ્‍કોર્પિયો કારે તેમની કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

સ્‍કોર્પિયો કારમાં જોતાં તેમાં મિલન ઉર્ફે લલીયો ગાડી ચલાવી રહ્યો હતો, જ્‍યારે તેની બાજુમાં ઈમરાન ઉર્ફે પપ્‍પુ બેઠેલો હતો. વિક્કીભાઇની કાર ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પહોંચી કે તરત જ સ્‍કોર્પિયો કારના ડ્રાઈવર તેની સ્‍વિફ્‌ટ કારને દબાવી હતી. આના પરિણામે કાર બાજુમાંથી પસાર થઈ રહેલા ટ્રક સાથે અને ત્‍યારબાદ બ્રિજના ડિવાઈડર સાથે જોરદાર ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્‍માત સર્જાયા બાદ સ્‍કોર્પિયો કારમાંથી અજાણ્‍યા શખ્‍સે નીચે ઉતરીને વિક્કીભાઈને કારમાંથી બહાર ખેંચી ક ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. આ સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્‍થળ પરથી ભાગી છૂટયા હતા.

આ પછી વિક્કીભાઇએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ વિક્કીભાઇએ દોઢ વર્ષ પહેલાં સપના વાઘેલાને છૂટાછેડા આપ્‍યા હતાં. હાલ સપનો ઈમરાન ઉર્ફે પપ્‍પુ સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહે છે. આ બાબત ઈમરાનને વિક્કીભાઇ ઉપર ખાર હોઇ તેના કારણે મનદુઃખ રાખી કારથી પીછો કર્યો હતો અને હુમલો કરી ધમકી દીધી હતી. તેમજ અકસ્‍માત સર્જતા કારને નુકસાન પણ થયું હતું. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:38 PM IST)