News of Friday, 5th June 2026
વિજય પ્લોટના રાહુલે મોજશોખ માટે ચોરી કરી'તીઃ રૂપિયા ૨.૩ લાખનો મુદ્દામાલ કબ્જે
ભક્તિનગર રેલ્વે સ્ટેશન દ્વારકા જઇ રહેલા સંઘના મહિલાના થેલાની ચોરીનો ભેદ ખુલ્યો

રાજકોટ તા. ૫: ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે રાત્રિના સમયે એક મુસાફર મહિલા થેલો બાકડા પર મુકી ફ્રીઝનું પાણી પીવા ગયા ત્યારે તેમનો થેલો ચોરાઇ ગયો હતો. જેમાં રોકડ, સોનાનો ચેઇન સહિતી માલમત્તા હતી. રેલ્વે પોલીસે આ ગુનો ઉકેલી ઉઠાવગીરને પકડી લઇ સોનાનો ચેઇન અને રોકડ રકમ મળી કુલ રૂા. ૨,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી રાહુલ પરેશભાઇ ઝરીયા (ઉ.વ.૨૩) લોધાવાડ પાસે વિજય પ્લોટ શેરી નં. ૨૬માં રહે છે. તે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ રેકી કરતો હતો. મુસાફરો જ્યારે ગાઢ નિંદ્રામાં હોય અથવા તો તેમની નજર ચૂકે ત્યારે તકનો લાભ લઈને સામાન ઉંચકી લેતો અને તેમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવાની ટેવવાળો ગુનેગાર છે. આ શખ્સ હાલમાં કોઇ કામધંધો કરતો નથી. જેથી તેને ઘરમાં ઠપકો મળતો હતો. ચોરી કરી એ રાતે પણ ઘરે માથાકુટ કરી નીકળી ગયો હતો અને રેલ્વે સ્ટેશને પહોંચી મોજશોખ માટે બહારગામ જવું હોઇ રેઢો થેલો ચોરી લીધો હતો. જો કે ચોરાઉ ચેઇન વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો.
રેલ્વેના અધિક પોલીસ મહાનિર્દેશક કે.એન.ડામોર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા ઇન્ચાર્જ વિભાગીય અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીએસઆઇ બી. જે. જાડેજા, કે.યુ.વાળા તથા એએસઆઇ હર્ષદભાઇ મસવાણિયા, ઘનશ્યામભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઇ ચાવડા, હાર્દિકભાઇ કાતરીયાએ બાતમી પરથી રાહુલને ઝડપી લઇ ૧.૯૦ લાખનો ચેઇન, રૂા. ૧૩ હજાર રોકડા કબ્જે કરાયા છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય કોઈ ચોરીના ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવી છે.
(2:17 PM IST)










