<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

પ્રાંચીના વિજય સુચકની રાજકોટના સિધ્‍ધરાજ સોલંકી સાથે સોનુ છોડાવવાના અને હોમલોનના નામે ઠગાઇ

શીતલ પાર્ક પાસે સુખદેવ ટાઉનશીપમાં રહેતાં યુવાને બહેનના લગ્ન માટે સોનુ ગીરવે મુક્‍યું હતું ૨.૯૦ રોકડા ચુકવી દીધા છતાં વિજયએ ગીરવે મુકેલા દાગીના અને રોકડ પરત ન દીધાઃ દાગીના અન્‍ય જગ્‍યાએ ગીરવે મુકી રોકડી કરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૫: શહેરમાં હોમ લોન અપાવવા અને ગીરવે મુકેલું સોનું છોડાવી આપવાના બહાને એક પરિવાર સાથે રૂ. ૩.૯૦ લાખ રોકડા તેમજ આશરે રૂ. ૨.૬૦ લાખની કિંમતના ૭૩.૫ ગ્રામ સોનાના દાગીના પચાવી પાડી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાનો બનાવ બન્‍યો છે. આ મામલે  દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં યુવાને  મુળ પ્રાંચી સોમનાથના અને હાલ રાજકોટ રહેતાં શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ પર સુખદેવ ટાઉનશીપ ડી-૬૦૫મા રહેતાં સિધ્‍ધરાજભાઇ પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી મુળ સોમનાથ પ્રાંચીમાં માધવરાય રડ પર ઘંટીયા ફાટક પાસે રહેતાં અને હાલ રાજકોટ બસ સ્‍ટેશન પાસે વિનસ એપાર્ટમેન્‍ટ છઠ્ઠા માળે ૬૦૧માં રહેતાં વિજય જયસુખભાઇ સુચક વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

સિધ્‍ધરાજભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે અને ઘરે માતાને પાપડના ધંધામાં મદદ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે  ડિસેમ્‍બર ૨૦૨૫માં તેમની બહેનના લગ્ન માટે પરિવાર પાસે રહેલું ૭૩.૫ ગ્રામ સોનુ જેમાં સોનાનો પેન્‍ડલ સેટ, મંગળસૂત્ર, કાનની બુટ્ટી, વીંટી વગેરે સામેલ હતા તે મુથુટ ફાઇનાન્‍સમાં ૨.૯૦,૦૦૦માં ગીરવે મુકયું હતું. ત્‍યારબાદ આ સોનું છોડાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં, પરિચિતો મારફતે વિજય સુચકનો સંપર્ક થયો હતો. વિજયે પરિવારને એવું આશ્વાસન આપ્‍યું હતું કે તે મુથુટ ફાઇનાન્‍સમાંથી સોનું પોતાના પૈસે છોડાવી આપશે અને બદલામાં ફરિયાદીના લક્ષ્મીનગર ખાતે આવેલા મકાન પર મોટી હોમ લોન પાસ કરાવી આપશે.

વિજય સુચકે પરિવારને વિશ્વાસમાં લઈ આઈ.કે.એફ. ફાઇનાન્‍સમાંથી રૂપિયા ૧૨,૦૦૦,૦૦૦ની મોર્ગેજ હોમ લોન સિધ્‍ધરાજભાઇના માતા નયનાબેન સોલંકીના નામે પાસ કરાવી હતી. આ લોનની રકમ ડિસેમ્‍બર ૨૦૨૫માં બેંક ઓફ બરોડાના ખાતામાં જમા થઈ હતી. લોન પાસ થતાં જ વિજય સુચકે ગીરો સોનું છોડાવવાનો ખર્ચ, કમિશન અને અન્‍ય ચાર્જ બતાવી ફરિયાદી પાસેથી રૂ. ૩,૫૦,૦૦૦ રોકડા મેળવી લીધા હતા અને સોનું સાંજે પરત આપી દેવાની ખાતરી આપી હતી.

ત્‍યારબાદ વિજય સુચકે લોનના હપ્‍તા ઓછા કરવાના અને વ્‍યાજ બચાવવાના બહાને સિધ્‍ધરાજભાઇના માતા નયનાબેન પાસે કોરા ચેક પર સહીઓ કરાવી લીધી હતી. ત્‍યારબાદ સિધ્‍ધરાજભાઇની  જાણ બહાર બેંક ઓફ બરોડા ગોંડલ રોડ શાખામાંથી આરટીજીએસ મારફતે રૂપિયા ૩,૯૦,૦૦૦ની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્‍સફર કરાવી લીધી હતી.

લાંબો સમય વિતવા છતાં વિજયે સોનું પરત ન આપતાં અને ગલ્લા-તલ્લાં કરતા સિધ્‍ધરાજભાઇએ તપાસ કરી હતી. બાદમાં તેને જાણવા મળ્‍યું હતું કે વિજય સુચકે મુથુટમાંથી છોડાવેલું ૭૩.૫ ગ્રામ સોનું પરિવારને આપવાને બદલે અન્‍ય જગ્‍યાએ ગીરવે મૂકીને રોકડ રકમ મેળવી લીધી છે અને વ્‍યાજના હપ્‍તા પણ ભરતો નથી. આથી તેણે છેતરપીંડી કર્યાની ખબર પડી હતી. સોનુ અને રોકડ રકમ તે પરત આપતો ન હોઇ ફરિયાદ કરી હતી.  પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:19 PM IST)