તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
નવો ફોરલેન સાંઢીયો પુલ તૈયારઃ લોકાર્પણ માટે સરકારને આમંત્રણ
૭૪ કરોડના પ્રોજેકટના ઉદઘાટન માટે મનપાના નવનિયુકત પદાધિકારીની ટીમ ગાંધીનગરમાં: મોટા સમારોહને બદલે સાદા કાર્યક્રમની વિચારણા

રાજકોટ, તા., ૨ : શહેરના જામનગર રોડ પર ૭૪ કરોડના ખર્ચે બનેલા નવા ફોરલેન બ્રીજનું ઉદઘાટન કરવા આજે ગાંધીનગર ગયેલા ભાજપ પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે. મેયરની આગેવાનીમાં નવી ટીમ આજે બપોરે મુખ્યપ્રધાનને મળી હતી અને શુભકામનાઓ મેળવી હતી.
આમ તો સરકારથી માંડી મહાપાલિકા સુધી હવે બહુ મોટા કાર્યક્રમો પર કરકસરના ભાગરૂપે નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા છે. આથી મુખ્યપ્રધાન રૂબરૂ આવીને ઉદઘાટન કરે તેવી હાલ કોઈ શકયતા દેખાતી નથી. આમ છતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને બ્રીજના ઉદઘાટન માટે મેયર નેહલ શુકલએ આમંત્રણ આપ્યું છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ આ મુલાકોતમાં જોડાયા હતા. હવે એકાદ બે દિવસમાં બ્રીજના ઉદઘાટનની તારીખ જાહેર થવાની શકયતા છે.
મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા, શાસક નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. નવા પદાધિકારીઓની આ શુભેચ્છા મુલાકાતમાં વિકાસ કામોથી માંડી કરકસર અને લોકોના કામ પર ધ્યાન આપવા ચર્ચા કરવામાં આવી હતી.
જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ ૭૪ કરોડના ખર્ચે બનેલો નવો ફોરલેન બ્રીજ તૈયાર થઈ ગયો છે. આ પુલ રાજકોટના લોકો માટે ખુબ ઉપયોગી થવાનો છે જો કે મોટા સમારોહ અને ખર્ચ વગર સરકાર આ બ્રીજનું ઈ-લોકાર્પણ કરે અને સાદો કાર્યક્રમ યોજાય તેવી શકયતા છે. આ રીતે મોટા પ્રોજેકટ કામોના ભૂમિપૂજન, લોકાર્પણ માટે નવા મેયર દ્વારા સીધુ સંકલન શરૂ કરી દેવામાં આવ્યું છે.
(3:26 PM IST)










