News of Friday, 24th April 2026
વિશાલે ૭ વર્ષના છોકરાને માર્યો, તેનો ૧૭ વર્ષનો ભાઇ સમજાવવા આવતાં તેને પણ પાઇપથી ફટકાર્યો
દિકરાને બચાવવા ગયેલા માતાને પણ ગાળો દઇ અપમાનીત કર્યાઃ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બનાવઃ માલવીયાનગર પોલીસે રમીલાબેન પરમારની ફરિયાદ પરથી મારામારી-એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતો સાત વર્ષનો ટેણીયો આઇસ્ક્રીમ લેવા ઘરેથી બહાર જતાં વિસ્તારમાં જ રહેતાં શખ્સે તેને મારકુટ કરતાં રડતો રડતો ઘરે આવતાં તેનો ૧૭ વર્ષનો મોટો ભાઇ માથાકુટ કરનારા શખ્સને સમજાવવા જતાં તેણે આ મોટા ભાઇને પણ ગાળો દઇ પ્લાસ્ટીકના પાઇપથી ફટકાર્યો હતો. બાદમાં તેના માતા બચાવવા જતાં તેને પણ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર-૧૩/૧૪ના ખુણે રહેતાં રમીલાબેન નારણભાઇ ચાવડા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી આંબેડકરનગરમાં જ રહેતાં વિશાલ રૂડાભાઇ બાબુતર વિરૂધ્ધ મારામારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
રમીલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરી મારૂ ગુજરાન ચલાવુ છુ અને મારા લગ્ન આશરે અઢાર વર્ષ પહેલા શાષાીનગર શેરી નં-૦૫માં રહેતાં ચંદ્રેશભાઈ ડાયાલાલ પરમાર સાથે થયેલા અને આશરે ચારેક વર્ષ પહેલા મારે મારા પતિ ચંદ્રેશભાઇ સાથે માથાકુટ થતા અમારા છુટાછેડા થયા હતાં. મારે સંતાનમાં બે દિકરા છે, જેમા એક ૧૭ વર્ષનો અને બીજો ૬ વર્ષનો છે. ગત તા. ૨૦/૪ના સાંજના આશરે સાડા પાચેક વાગ્યાની આસપાસ નાનો દિકરો આઇસ્ક્રીમ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં રડતો રડતો ઘરે આવ્યો હતો અને પોતાને ભરવાડના છોકરાએ માર્યો છે તેવુ કહ્યું હતું.
આથી મારો મોટો દિકરા જે ૧૭ વર્ષનો છે તે તપાસ કરવા જતાં વિશાલ બાબુતરે માથાકુટ કરી હોવાનું જાણવા મળતાં તે વિશાલને સમજાવવા તેના ઘરે ગયો હતો. આથી વિશાલે ઉશ્કેરાઇ જઇ મારા દિકરાને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને પ્લાસ્ટીકના પાઇપથી હુમલો કરી મારા દિકરાને માર માર્યો હતો. મને જાણ થતાં હું મારા દિકરાને બચાવવા ત્યાં દોડી ગઇ હતી. આ વખતે દિકરો મને શેરીમાં મળ્યો હતો અને પોતાને પાઇપથી માર માર્યાનું કહ્યું હતું. હું દિકરાને લઇને ઘરે જતી હતી ત્યારે ફરીથી વિશાલ આવ્યો હતો અને ગાળો દઇ કહ્યું હતું કે-તારા દિકરાને માર્યો તેમાં તમે શું બગાડી લેવાના હતાં? થાય તે કરી લેજો તેમ કહી અમને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં. લોકો ભેગા થઇ જતાં વિશાલ ભાગી ગયો હતો. મારા દિકરાને ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં રમીલાબેને જણાવતાં માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. સારગભાઇ સી. ઓગાણીયાએ ગુનો નોંધી તપાસ હાથજ ધરી છે.
(3:54 PM IST)










