<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

વિશાલભાઇની બે કાર હાર્દિકે સળગાવીઃ અગાઉ દંપતિના ફોન નંબર સાથે ‘મેલીવિદ્યા કોચીંગ સેન્‍ટર'ના પોસ્‍ટર લગાવ્‍યા'તા!

રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારીકા વિલેજમાં રહેતાં યુવાન સાથે ૨૦૨૫થી ચાલતી માથાકુટનો ખાર રાખી આગ લગાડી : સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં ફોટા વહેતા કરી ધમકી દીધી હતીઃ બે ઓરા કારમાં આગથી મોટુ નુકસાનઃ પ્ર.નગર પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી

તસ્‍વીરમાં સળગાવી નખાયેલી વિશાલભાઇ હીરાણીની બંને કાર, સોસાયટીના રહેવાસીઓ અને ઇન્‍સેટમાં ફરિયાદી વિશાલભાઇ તેમજ ઉપર તેમના નામ નંબર સાથે અગાઉ લગાડાયેલુ પોસ્‍ટર જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરના રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર દ્વારિકા વિલેજમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં યુવાન તથા તેના પત્‍નિને આ એપાર્ટમેન્‍ટમાં જ રહેતાં એક શખ્‍સ દ્વારા એક વર્ષથી પરેશાન કરવામાં આવતાં હોઇ આ શખ્‍સે ગત રાતે વધુ એક વખત માથાકુટ કરી છે. રાતે આ યુવાનની બે કારમાં કોઇ પ્રવાહી છાંટી સળગાવી દેતાં પોલીસને જાણ કરવામાં આવી છે. અગાઉ આ શખ્‍સે યુવાન અને તેના પત્‍નિના નામ સાથેના પોસ્‍ટરો જાહેરમાં ચીપકાવી દીધા હતાં. જેમાં મેલીવિદ્યા કોચીંગ સેન્‍ટર એ પ્રકારનું લખાણ લખેલુ હતું.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર દ્વારિકા વિલેજ એ-૪૦૩માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં વિશાલભાઇ ચંદુભાઇ હિરાણી-વાળંદ (ઉ.વ.૩૮) નામના યુવાને જણાવ્‍યું છે કે હું પરિવારમાં મારા પત્‍નિ રૂતુજાબેન અને બે દિકરા સાથે રહુ છું. હું હાર્ડવેર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરુ છું.  મારી પાસે હુન્‍ડાઇ કંપનીની બે ઓરા કાર છે. જેમાં એક જીજે૦૩એનએફ-૬૩૦૭ મારા નામે છે અને બીજી જેજે૦૩એલએમ-૭૧૫૦ મારા ભાણેજ કિશનભાઇ ગોહેલના નામે છે.

ગુરૂવારે તા. ૨૪/૯ના રાતે સાડા દસેક વાગ્‍યે મેં બંને કાર અમારા બિલ્‍ડીંગના પાર્કિંગમાં રાખી હતી. એ પછી રાતે અઢી વાગ્‍યા આસપાસ અમારા ઘરની ડોરબેલ વાગતાં મેં જાગીને જોતાં પાડોશી ભગીરથભાઇ હતાં. તેણે કહેલું કે તમારી બંને કારમાં આગ લાગી છે. જેથી હું તુરત નીચે ગયો હતો. થોડીવારમાં સોસાયટીના બીજા રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. કોઇએ ફોન કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આવી ગઇ હતી. આગ કોણે લગાવી છે તે જાણવા અમે સોસાયટીના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં અમારી વીંગમાં એ-૨૦૪માં રહેતાં હાર્દિકભાઇ પોપટ મારી બંને કારમાં કોઇ પ્રવાહી છાંટી દિવાસળી મુકી આગ લગાડતો જોવા મળ્‍યો હતો. હાર્દિકભાઇ મહેશકુમાર પોપટ વિરૂધ્‍ધ મેં બે મહિના પહેલા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ લખાવી હતી. તેનો ખાર રાખી તેણે મારી કાર સળગાવી નાંખ્‍યાનું લાગે છે. તેમ વધુમાં વિશાલભાઇ હીરાણીએ જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વિશાલભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે ૨૦૨૫માં હાર્દિકે મારી સાથે ચડભડ કરી હતી. પછી મારી કાર સાથે અકસ્‍માત સર્જયો હતો. ત્‍યારબાદ અમારા બિલ્‍ડીંગ બહાર પોસ્‍ટરો લગાવ્‍યા હતાં જેમાં વશીકરણ કોચીંગ સેન્‍ટર એ સહિતના લખાણ લખી મારા અને મારા પત્‍નિના મોબાઇલ નંબર લખી નાંખ્‍યા હતાં. આ ઉપરાંત સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં પણ મારા પત્‍નિનો ફોટો વહેતો કરી તેમાં ખરાબ લખાણ લખ્‍યું હતું. આ કારણે મેં બે મહિના આ મામલે પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવી હોઇ તેનો ખાર રાખી હવે કાર સળગાવી હતી.

(3:38 PM IST)