તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
મતદારો નિરસ : રાજકીય પક્ષોમાં ચિંતાઃ દોડાદોડી
રાજકોટ મનપાની ચૂટણીમાં ગત વર્ષ પ૧.૮પ ટકા મતદાન નોંધાયુ હતુ : ગરમી, લોકઆક્રોશ તથા વેકશન માહોલ સહિતના મુદ્દે ઉમેદવારોના હોશ ઉડયાઃ મતદાન કેટલું થશે! એક જ ચર્ચા

રાજકોટઃ તા.ર૧, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રવિવાર (૧૯મી એપ્રિલ) જાણે પ્રચારનો દિવસ બની રહ્યો હતો. પરંતુ ચૂંટણીનો માહોલ જ જામતો નથી. ચૂંટણી કાર્યાલયો પણ કાગડા ઉડતાં હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. મતદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસ જ રહ્યો નથી. આ જોતાં આ વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછું મતદાન થાય તેવી ભીતિ છે. મતદારોની નિરસતાને જોઈ ઉમેદવારો અને રાજકીય પક્ષોના આગેવાનોમાં ચિંતા વધી છે.
આગામી રપ એપ્રિલના યોજાનાર રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ તથા આપ સહિત રાજકીય પક્ષોએ સતા માટે એડીચોટીનું જોર લગાવી રહયા છે, પરંતુ લોકોનો છુપો આક્રોશ, ગરમી સહિતના મુદ્દે તમામ રાજકીય પક્ષોમાં એક જ ચર્ચા ચાલી રહી છે. શું થશે ? કેટલું મતદાન થશે સહિતના મુદ્દે તરહ તરહની ચર્ચાએ ઝોર પકડયું છે.
મનપાનીચૂંટણીમાં એક બાજુ મતદારોમાં નિરસતાનથી. તો બીજી તરફ, કાળઝાળ ગરમીને લીધે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ચૂંટણી પ્રચાર ફિક્કો બન્યો છે. ઉમેદવારોએ પ્રચારના શિડયુલમાં ફેરફાર કરવો પડયો છે. હીટવેવને જોતાં હવે ઉમેદવારોને ડોર-ટુ-ડોર સંપર્ક કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અત્યારથી જ સોસાયટી-ફ્લેટમાં ગ્રુપ મીટીંગ, નાની સભાનું આયોજન કરવા આદેશ કરાયો છે. હવે ઉમેદવારો વહેલી સવારે અને મોડી સાંજે જ પ્રચાર કરવા મજબૂર બન્યા છે. મોડી રાત સુધી જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, ઉમેદવારોને સમર્થન સાંપડી રહ્યું નથી.
હવે લોકોને ચૂંટણી લડવાનો હેતુ સમજાયો છે જેથી ઉમેદવારોને સવાલ પૂછાઈ રહ્યા છે. પ્રજાલક્ષી કામોનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. કયાંક આવકાર મળી રહ્યો છે તો કયાંક હુરિયો બોલાવાઈ રહ્યો છે. તક મળી છે ત્યારે મતદારો પોતાના વિસ્તારના કામો કરવાનું વચન માંગી રહ્યા છે. આજે રવિવાર પ્રચારનો દિવસ બની રહ્યો હતો કેમકે, રજા હોવાથી મતદારોનો રુબરુ સંપર્ક થઈ શકે તે માટે રેલી નીકળી હતી. પરંતુ પાંખી સંખ્યા જોવા મળી હતી. સોસાયટી-ફલેટમાં ઢોલ નગારા વાગ્યા પણ મતદારોએ રસ દાખવ્યો ન હતો.
આ વખતે મતદારોને રિઝવવા જાણે અઘરું બન્યુ છે. ચૂંટણી માહોલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જેથી રાજકીય પક્ષોના પેટમાં ફાળ પડી છે. આ જોતાં આ વખતે ગત વખતની જેમ ઓછુ મતદાન થાય તેવી શકયતા જોવાઈ રહી છે. રાજકીય ગણિત બદલાય તો નવાઈ નહીં.
(3:38 PM IST)










