News of Thursday, 30th July 2026
રાજકોટમાં ધાડ પાડે એ પહેલા વાંકાનેરની ગેંગ ઝડપાઇ
૮૦ ફુટ રોડ પર રિક્ષા સાથે દબોચ્યાઃ બે છરી, ગ્રીલ-શટર કાપવાનું કટર, દિવાલમાં બાકોરા પાડવાની બે કોશ, પ્લાસ્ટીકના પાઇપ, ૨૭ નંગ પક્કડ, ડીસમીસ, દોરી કબ્જેઃ જાવીદ ઉર્ફે જાવલો,સાહિલ ઉર્ફે કૂકો, સુનિલ ઉર્ફે કટ્ટી, અખત્ર ઉર્ફે ભુરો, સાહિલ માજોઠી અને સાહિલ ઉર્ફે ટકો ઝડપાયા : આજી જીઆઇડીસીમાં બુધવારે કારખાના-ફેક્ટરી બંધ રહેતાં હોઇ રાતે ત્રાટકવાના કાવત્રા સાથે આવ્યા હતાં: પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ડી. સ્ટાફના જયેશભાઇ નિમાવત, નિલેષભાઇ જાગાણી સહિતની ટીમે ૬ શખ્સોને દબોચી લીધાઃ છએયની વિસ્તૃત પુછતાછ

રાજકોટ તા. ૩૦: શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં મોટી ધાડ પાડવાના પુર્વ આયોજિત કાવત્રાનો થોરાળા પોલીસે પર્દાફાશ કર્યો છે. એંસી ફુટ રોડ પરથી પોલીસે ઓટોરિક્ષામાં વાંકોનરના છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ તેની પાસેથી ઘાતક તીક્ષ્ણ હથિયારો, ઘરફોડ ચોરીના સાધનો કબ્જે લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આજી જીઆઇડીસ૮૦ ફૂટ રોડ ટર્બો ગેટ નજીક રોડ પર એક શંકાસ્પદ ઓટા ેરિક્ષા જીજે૩૬ડબલ્યુ-૪૮૭૬ શંકારસ્પદ રીતે ઉભેલી જણાઈ હતી. આ રિક્ષામાં છ શખ્સો બેઠા હોઇ તે પણ શંકાસ્પદ હોઇ તમામને સકંજામાં લઇ તપાસ કરવામાં આવતાં રિક્ષામાંથી ચોરી-ધાડ માટે ઉપયોગમાં આવે તેવા હથીયારો મળી આવ્યા હતાં.
પોલીસે છ શખ્સોની પુછતાછ કરતાં પોતાના નામ જાવીદ ઉર્ફે જાવલો સલીમભાઈ બુખારી (સૈયદ) (ઉ.વ. ૨૨, રહે. વાંકાનેર, દાતારપીરની દરગાહ પાછળ આરોગ્ય નગર મફતીયાપરા), સાહિલ ઉર્ફે કુકો દિનેશભાઈ ચારોલીયા (ઉ.વ. ૧૯, રહે. વાંકાનેર, આરોગ્ય નગર હકાનીયા જનરલ સ્ટોર પાસે ગોકુલનગર રોડ), અખતર ઉર્ફે ભુરો આમદભાઈ મકરાણી (ઉ.વ. ૨૫, રહે. રાજકોટ-વાંકાનેર હાઈવે, કુંભારપરા કબ્રબસ્તાન પાસે ટેકરી વિસ્તાર), સાહિલ મુસાભાઈ માજોઠી (ઉ.વ. ૨૩, રહે. વાંકાનેર, સીટી સ્ટેશન પાસે મફતીયા પરા જલારામ સ્ટીલ નજીક), સુનીલ ઉર્ફે કકટ્ટી ઉર્ફે કટીયો કાળુભાઈ બાબરિયા (ઉ.વ. ૩૧, રહે. વાંકાનેર, મહિકા મોબાઇલ ટાવર પાસે આલ્ફકા કારખાના નજીક) અને સાહિલ ઉર્ફે ટકો શબ્બીરહુસેન રફાઈ (ઉ.વ. ૧૯, રહે. વાંકાનેર, સીટી સ્ટેશન પાસે મફતીયાપરા) જણાવ્યા હતાં.
પોલીસે આ શખ્સો પાસેથી ૧૨ ઇંચ લંબાઈની ૨ નંગ તીક્ષ્ણ છરીઓ, ઘરફોડ ચોરી માટે શટર/ગ્રીલ કાપવાનું મોટું લોખંડનું કટર, દિવાલમાં બોકારા પાડી શકાય તેવી ૨ નંગ લોખંડની કોશ, પ્લાસ્ટિકના પાઈપ, નાના-મોટા પકડ અને પાના ૨૭ નંગ, ડીસમીસ અને દોરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત મોબાઇલ ફોન, રિક્ષા પણ કબ્જે લેવામાં આવ્યા છે.
છએય શખ્સો વાંકાનેરના વતની હોઇ અહિ કોઇ ગુનાને અંજામ આપવા આવ્યાની માહિતી હોઇ છએય શખ્સોની પોલીસની કડક પૂછપરછ કરતાં આ તમામે કબુલાત આપી હતી કે તેઓ વાંકાનેરથી ઓટોરિક્ષા લઈને રાજકોટ આવ્યા હતા. બુધવારે કારખાનાઓ બંધ હોવાથી આજી જીઆઇડીસી વિસ્તારના કોઈ મોટા કારખાનામાં ઘાતક હથિયારો સાથે ધુસી ધાડ પાડવાનો પ્લાન હતો. જો કે ધાડ પાડે તે પહેલાં જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપીની સુચના અંતર્ગત થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ટી. ડી. જાડેજા, ડી. સ્ટાફના જયેશભાઇ નિમાવત, નિલેષભાઇ જાગાણી, જયદિપસિંહજાડેજા, હિતેષભાઇ પરમાર, મુકેશભાઇ પાલ, કોન્સ. જયેશભાઇ રાઠોડ, નિલેષભાઇ જમોડ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા છએય શખ્સોનો ગુનાહિત ઇતિહાસ મેળવવા વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે. (૧૪.૬)
(2:57 PM IST)










