News of Wednesday, 29th July 2026
વોર્ડ નં.૧૨માં રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે વરસાદી પાણી નિકાલ લાઇન બીછાવાશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. ૪.૨૧ કરોડના વિકાસકામોની ૧૩ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી : સર્વોદય સ્કૂલથી રાધે રાધે પાર્ટી પ્લોટ, ઓમ પાર્ક મેઈન રોડ અને નંદનવન મેઈન રોડ વિસ્તારમાં આગામી ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ ભુતકાળ બનશેઃ વોર્ડ નં. ૩ માં બે આંગણવાડીને પણ બહાલી

મંજુર... મંજુર... મંજુર... મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરના ૧ર કલાકે સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ૧ અરજન્ટ સહિત કુલ ૧૩ દરખાસ્તોના ૪.ર૦ કરોડના વિવિધ વિકાસ કામોને મંજુરીની મ્હોર લગાવવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, ડે. કમિશનર એચ.પી. રૂપારેલીયા તથા સભ્યો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૬.૧૪)
રાજકોટ, તા.૨૯: મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્યક્ષસ્થાને અરજન્ટ બિઝનેશ કુલ ૧૩ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં રૂ. ૪.૨૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોને બહાલી અપાઈ હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે વોર્ડ નં. ૧૨માં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર પાઈપલાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ સર્વોદય સ્કૂલથી રાધે રાધે પાર્ટી પ્લોટ સુધી, ઓમ પાર્ક મેઈન રોડ તથા નંદનવન મેઈન રોડ વિસ્તારમાં અંદાજે ૩,૮૦૦ રનિંગ મીટર વિવિધ વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવશે. ટેન્ડરમાં સિદ્ધનાથ કન્સ્ટ્રક્શને અંદાજિત કિંમત કરતાં ૧૯.૯૧ ટકા ઓછા ભાવે કામગીરી કરવાની ઓફર આપતા રૂ. ૨.૨૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આસોપાલવ પાર્ક, બાલાજી પાર્ક, પ્રમુખ એક્ઝોટિકા, ઓમ પાર્ક, શિવમ પાર્ક સહિત આસપાસની અનેક સોસાયટીઓના રહેવાસીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગમાં શહેરના ત્રણેય ઝોનમાં થર્મોપ્લાસ્ટિક રોડ ર્માકિંગ માટે રૂ. ૧.૧૫ કરોડ, વોર્ડ નં. ૩માં બે નવી આંગણવાડીના નિર્માણ, વોર્ડ નં. ૧૫માં ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન તેમજ વોર્ડ નં. ૧૬માં ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલ સહિતના વિવિધ વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
૧૮ હજારથી વધુ બાળકોને મળશે પુરક પોષણ આહાર
રાજકોટઃ શહેરની ૩૩૪ આંગણવાડીઓમાં અભ્યાસ કરતા ૧૮ હજારથી વધુ બાળકોને રાજ્ય સરકારના મેનૂ મુજબ પુરક પોષણ આહાર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ પારસ એગ્રો સોસાયટીને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. યોજના હેઠળ સવાર અને બપોરના પોષણ આહાર ઉપરાંત અઠવાડિયામાં બે વખત સિઝનલ ફળનું પણ વિતરણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમય દરમિયાન લાભાર્થી બાળકોની સંખ્યા વધીને ૧૮ હજારથી વધુ થઈ હોવાથી પોષણ યોજનાનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.(૬
(2:48 PM IST)










