News of Thursday, 16th April 2026
વોર્ડ નં. ૭ માં ‘આપ' ના ચાર મહારથીઓ મેદાને, મફત આરોગ્ય અને શિક્ષણના મંત્ર સાથે ગજવશે ગઢ
રાજકોટમાં પરિવર્તનનો શંખનાદ : પરેશભાઈ શીંગાળા, દિપકભાઈ મુલીયાણા, દીપાલીબેન મહેતા અને ચેતનાબેન અમરેલીયાએ કમર કસી

રાજકોટઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આમ આદમી પાર્ટીએ મજબૂત દાવેદારી નોંધાવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા ચાર કર્મઠ ઉમેદવારોપરેશભાઈ શીંગાળા, વશરામભાઈ મુલીયાણા, દીપાલીબેન મહેતા અને ચેતનાબેન અમરેલીયાલોકો વચ્ચે જઈને પરિવર્તનના એજન્ડા સાથે મત માંગી રહ્યા છે. આપ દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ચારેય ઉમેદવારો જણાવેલ કે પાર્ટીએ વચન આપ્યું છે કે કોર્પોરેશન હસ્તકની તમામ શાળાઓનું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને શિક્ષકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અપાશે. આરોગ્ય ક્ષેત્રે દરેક વોર્ડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (મોહલ્લા ક્લિનિક) બનાવી નિઃશુલ્ક દવાઓ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે અને સીટી સ્કેન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો મંત્ર લઈને મેદાને ઉતરેલા ઉમેદવારોએ જણાવ્યું છે કે, રહેણાંક મકાનોના પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવશે. આ ઉપરાંત, ડોક્યુમેન્ટ્સની હોમ ડિલિવરી, સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા, અને ટ્રાફિક-પાર્કિગની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે કચરાના રિસાયકલિગ દ્વારા વીજળી અને ખાતર બનાવવાની યોજના પણ પક્ષના એજન્ડામાં સામેલ છે.
વોર્ડ નં. ૭ ના ચારેય ઉમેદવારોએ મતદારોને ખાતરી આપી છે કે જો તેઓ ચૂંટાશે તો 'નગર રાજ બિલ' લાગુ કરી સોસાયટી કમિટીઓ દ્વારા બજેટ તૈયાર કરાશે. મહિલાઓ માટે સ્વરક્ષણની તાલીમ, સિનિયર સિટીઝનો માટે બાગ-બગીચા અને રમતગમતના મેદાનો વિકસાવવાની વાત પણ તેમણે ભારપૂર્વક કહી છે. આમ, પરિવર્તનના સૂત્ર સાથે આમ આદમી પાર્ટી આ વખતે રાજકોટના રાજકારણમાં નવો વળાંક લાવવા તૈયાર જણાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં.૭ ‘‘આપ''ના ઉમેદવારો પરેશભાઇ શીંગાળા, દિપકભાઇ મુલીયાણા, દિપાલીબને મહેતા અને ચેતનાબેન અમરેલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:01 PM IST)










