<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રાજકોટ માટે પાણીનું આયોજન કરી રાખ્‍યું છે, ચિંતા ન કરતાઃ ભુપેન્‍દ્રભાઇ

શહેરના પાણી પ્રશ્ને મેયર નેહલ શુકલએ મુખ્‍યમંત્રીનું ધ્‍યાન દોર્યુઃ ડેમોની હાલની સ્‍થિતી અંગે સરકારને પત્ર લખ્‍યાની આપી જાણકારી

રાજકોટ, તા. ૧૦: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં પાણીની સમસ્‍યા ઊભી ન થાય અને નાગરિકોને નિયમિત પાણી વિતરણ મળી રહે તે માટે મેયર ડો. નેહલ શુક્‍લે આજે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધ્‍યાન દોર્યું હોવાનું જાણવા મળ્‍યું છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ દરમિયાન મેયર ડો. નેહલ શુક્‍લે તેમની સાથે ઔપચારિક વાતચીત કરીને રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોની હાલની સ્‍થિતિ અંગે જાણકારી આપી હતી. ડેમોની સ્‍થિતિ સહિતની વિગતો દર્શાવતો પત્ર રાજ્‍ય સરકારને અગાઉ મોકલવામાં આવ્‍યો હોવાનું પણ મેયરે મુખ્‍યમંત્રીને જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજકોટના પાણી પ્રશ્ન અંગે રાજ્‍ય સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી મેયરને ‘ચિંતા ન કરતા' તેમ કહ્યું હતું. મુખ્‍યમંત્રીના આ પ્રતિભાવથી રાજકોટના પાણી પ્રશ્ને રાજ્‍ય સરકાર હકારાત્‍મક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડ સમક્ષ આવેલી ફૂડ સેફટી ઍક્ટ સંબંધિત દરખાસ્ત અંગે પણ મેયરે મુખ્યમંત્રી સાથે ઔપચારિક વાત કરી હતી. બોર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(3:46 PM IST)