તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પાણીની ઉપાધી થશે દુરઃ ર૪ કલાક વિતરણની સુવિધાની તૈયારી
મનપા સ્કાડા સીસ્ટમ મારફત સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા પર ઓનલાઇન બાજનજર રખાશે ત્રણ દાયકા બાદ કોર્પોરેટરોને મળી ખુલ્લી ચર્ચાની તકઃ શાસક પક્ષ સાથે વિપક્ષે પણ વ્યક્ત કર્યો સંતોષ

રાજકોટ,તા.૨૬: મહાનગરપાલિકામાં મેયર નેહલ શુક્લે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું, જે દાયકાઓ બાદ રેકોર્ડબ્રેક સમય સુધી લંબાયું હતું.
સામાન્ય રીતે માત્ર ૬૦ મિનિટમાં આટોપી લેવામાં આવતું જનરલ બોર્ડ આ વખતે સાડા પાંચ કલાક સુધી ચાલ્યું હતું, જેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષના કોર્પોરેટરોના તમામ પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મનપાના ઇતિહાસમાં ૪૫ વર્ષ બાદ આ પ્રકારનું સૌથી લાંબુ જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં માત્ર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
દર ૨ મહિને મળતું જનરલ બોર્ડ હવેથી દર મહિને મળશે
સામાન્ય રીતે અમુક બજેટ બોર્ડ ૩થી ૪ કલાક ચાલતા હોય છે, પરંતુ બજેટ વિના માત્ર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે બોર્ડ સાડા પાંચ કલાક કરતાં વધુ સમય ચાલ્યું હોય તેવી ઘટના ૪૫ વર્ષ બાદ પ્રથમવાર સામે આવી છે. આ સાથે જ મહત્વનો નિર્ણય લેવાયો છે કે, દર ૨ મહિને મળતું જનરલ બોર્ડ હવેથી દર મહિને મળશે.
મહાનગરપાલિકાના નવા કાર્યકાળની પ્રથમ જનરલ બોર્ડ બેઠક અનેક દૃષ્ટિએ ઐતિહાસિક બની રહી. મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વર્ષો બાદ એવો માહોલ જોવા મળ્યો કે જેમાં તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને નાગરિકોની સમસ્યાઓ અંગે ખુલ્લા મનથી વિગતવાર રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં દરેક મુદ્દા પર વિસ્તળત ચર્ચા થતાં કોર્પોરેટરોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.
મેયર નેહલ શુક્લે બેઠકની શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે જનરલ બોર્ડ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શહેરના વિકાસ માટેનું અસરકારક મંચ છે. જેના કારણે કોર્પોરેટરોને સમય મર્યાદાના અનાવશ્યક દબાણ વિના પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાની તક મળી હતી. અનેક કોર્પોરેટરોએ રસ્તા, પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય અને અન્ય પ્રજાલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તળત રજૂઆતો કરી હતી.
શાસક અને વિપક્ષ બંનેને સમાન તક
બેઠક દરમિયાન માત્ર શાસક પક્ષ જ નહીં પરંતુ વિપક્ષના કોર્પોરેટરોને પણ પોતાના મુદ્દાઓ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. વિપક્ષના સભ્યોએ પણ પોતાના વિસ્તારોની સમસ્યાઓ અને વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચર્ચા દરમિયાન કેટલાક મુદ્દાઓ પર મતભેદો પણ સામે આવ્યા હતા, પરંતુ સમગ્ર કાર્યવાહી લોકશાહી પરંપરાને અનુરૂપ ચર્ચા કેન્દ્રિત રહી હોવાનું અનેક સભ્યોએ જણાવ્યું હતું.
૩૦ વર્ષ બાદ બદલાતી કાર્યશૈલીની ચર્ચા
જનરલ બોર્ડમાં હાજર અનેક કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે છેલ્લા લગભગ ત્રણ દાયકામાં પહેલીવાર આવી રીતે દરેક સભ્યને નિર્ભયતાથી અને વિસ્તળત રીતે પોતાના વિચારો રજૂ કરવાની તક મળી છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મેયરના અભિગમને મળ્યો વ્યાપક પ્રતિસાદ
મેયર ડો. નેહલ શુક્લના સંવાદાત્મક અને ચર્ચા આધારિત અભિગમને શાસક પક્ષના કોર્પોરેટરો ઉપરાંત વિપક્ષના સભ્યોએ પણ આવકાર્યો હતો. શહેરના વિકાસના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા અને સર્વપક્ષીય સહભાગિતાથી ભવિષ્યમાં પણ જનરલ બોર્ડની બેઠકો વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના નવા કાર્યકાળની પ્રથમ જનરલ બોર્ડ બેઠકમાં જોવા મળેલો આ બદલાયેલો અભિગમ આગામી સમયમાં કોર્પોરેશનની કામગીરીને વધુ પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી ચર્ચા શહેરના રાજકીય અને નાગરિક વર્તુળોમાં થઈ રહીછે.
(3:48 PM IST)










