News of Friday, 31st July 2026
સામાકાંઠે કુવાડવા રોડ પાસે પાણીનો ટાંકો અને જયજવાન - જયકિસાન સોસાયટી વિસ્તારમાં સ્મશાન બનાવશે
ઉદય કાનગડના પ્રયાસોથી વધુ લોકસુવિધાના દ્વાર ખુલ્યાઃ પાણી પૂરા ફોર્સથી મળશે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાની ટીમે સ્થળ નિહાળ્યું

રાજકોટ તા.૩૧: રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં સતત વધી રહેલી વસતિ તેમજ આગામી વર્ષોમાં પાણીની માંગને ધ્યાનમાં રાખીને નાગરિકોને વધુ સુદ્રઢ, નિયમિત અને પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે ડી-માર્ટ પાછળ આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં નવા એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR) અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (GSR)ના નિર્માણ માટે સંભવિત સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા , રાજકોટ ૬૮ ના ધારાસભ્ય ઉદય કાનગડ તથા મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ
સ્થળ મુલાકાત દરમિયાન સંભવિત સ્થળની ઉપલબ્ધતા, જમીનની યોગ્યતા, પાણી સંગ્રહ ક્ષમતા, વિતરણ વ્યવસ્થા તથા ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી તકનિકી મુદ્દાઓનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રોજેક્ટના અમલીકરણ માટે જરૂરી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા ધ્વારા ઇએસઆર અને જીએસઆર માટે ટી.પી. સ્કીમ નં. ૧૨,૫૦ ફૂટ મામા સાહેબ રોડ, ડી માર્ટ મોલ રોડ, બગીચાની સામે સ્થળ નિરીક્ષણ કરી જગ્યા ફાઈનલ કરવામાં આવેલ હતી,
વિધાનસભા-૬૮ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વસ્તી અને વિકાસને ધ્યાનમાં લેતા ટી.પી. સ્કીમ નં.૧૪, જય જવાન જય કિસાન સોસાયટીથી આગળ, લાલપરી નદીને કાંઠે અત્યાંધુનિક સ્મશાન માટે આશરે ૧૦૦૦૦ ચો.મી. પર નિર્માણ પામનાર અત્યાધુનિક સ્મશાનની જગ્યાનું સ્થળ નિરિક્ષણ કરીને જગ્યા ફાઈનલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ઉદય કાનગડ, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વોર્ડના કોર્પોરેટરો કાળુભાઈ કુંગશીયા, ભરતભાઈ લીબાશીયા, કંકુબેન ઉધરેજા, રાજશ્રીબેન માલવીયા, ભાજપની વોર્ડ સંગઠનની ટીમ, ડે. કમિશનર પટેલ, સીટી એન્જી. પી.ડી.અઢિયા, કે.પી. દેથરીયા સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ધ્વારા અમલમાં મૂકવામાં આવલા સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની ભાવનાને સાકાર કરવા તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આધુનિક અને ગુણવતાસભર નાગરિક સુવિધાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહયું છે ત્યારે
વિધાનસભા-૬૮માં વોર્ડ-૪ માં વધતી જતી વસ્તી અને મર્યાદિત પાણી સંગ્રહ ક્ષમતાના કારણે પીવાના પાણીના ઓછા દબાણ, અનિયમિત પૂરવઠા અને ઉનાળા દરમિયાન પાણીની અછત જેવી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હતા ત્યારે વિધાનસભા-૬૮ વિસ્તારમાં ઇએસઆર અને જીએસઆરની સુવિધાથી વિસ્તારના રહેવાસીઓને નિયમિત અને વધુ વિશ્વસનીય પાણી પુરવઠો મળશે.વધતી જતી વસ્તી અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને પાણીના સંગ્રહની ક્ષમતામાં વધારો થશે.
આ ઉપરાંત વોર્ડ-૪ માં જય જવાન જય કિસાન સોસાયટીથી આગળ લાલપરી નદીના કાંઠે નિર્માણ પામનાર અત્યાધુનિક સ્મશાન પણ વિસ્તાર માટે અંત્યંત મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.
આમ આ બંને વિકાસ કાર્યોથી વિધાનસભા-૬૮ના લાખો પરિવારોને સીધો લાભ મળશે જેમાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે તો બીજી તરફ અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ સેવામાં સ્થાનિક સ્તરે સન્માનજનક સુવિધાસભર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.(
(3:25 PM IST)










