<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

અમે ક્‍યારના લાઇનમાં ઉભા છીએ, આને કેમ વચ્‍ચે પેટ્રોલ આપ્‍યું? કહેતાં મહિલા વકિલ સાથે ધમાલ

રેલનગરમાં બનાવઃ ટીનના ડબ્‍બામાં પેટ્રોલ લેવા આવેલા શખ્‍સે પોતાની માતા સાથે મળી ગાળો દઇ ધમકી દીધીઃ પ્ર.નગર પોલીસમાં હિરલબેન જાનીની ફરિયાદ

રાજકોટ તા. ૧: શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે બોલાચાલી થયા બાદ મહિલા વકીલ પર એક યુવક અને તેની માતાએ હુમલો કરી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનો બનાવ પોલીસ ચોપડે ચડયો છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ ટુ-બીએચકે ઇ-૪૦૮માં રહેતાં એડવોકેટ  હિરલબેન હસમુખભાઇ જાની (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ અને તેની માતા સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ગઇકાલે સવારના આશરે સવા દસેક વાગ્‍યાના સુમારે હિરલબેન પોતાના ઘરેથી કોર્ટના કામકાજ અર્થે નીકળ્‍યા હતા. રસ્‍તામાં તેઓ રેલનગર ખાતે આવેલા વિવેક ફયુઅલ એચપી  નામના પેટ્રોલ પંપ પર પોતાના એક્‍ટિવા મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવવા માટે લાઈનમાં ઉભા હતા.

આ દરમિયાન એક અજાણ્‍યો યુવક ત્‍યાં આવ્‍યો હતો અને લાઈન કાપી સીધો જ પેટ્રોલ પુરનાર કર્મચારી પાસે પહોંચ્‍યો હતો. કર્મચારી સાથે વાતચીત કર્યા બાદ પેટ્રોલ પુરનાર વ્‍યક્‍તિએ તે યુવકને ટીનના ડબ્‍બામાં પેટ્રોલ આપવાનું શરૂ કર્યુ હતું. આ જોઈને લાઈનમાં ઉભેલા મહિલા વકીલ હિરલબેને વિરોધ નોંધાવ્‍યો હતો અને કહ્યું હતું કે-અમે કયારના લાઈનમાં ઉભા છીએ, તો તમે વચ્‍ચેથી કેમ પેટ્રોલ આપો છો? આટલું કહેતા એ શખ્‍સ એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અનેગાળો દેવા માંડયો હતો.

તેમજ ધમકી આપી હતી કે-તમારે મને કંઈ કહેવું નહીં, નહીં તો હું તમને જાનથી મારી નાખીશ. આટલું કહીને થોડી વારમાં તે યુવક પોતાની માતાને સાથે લઈને પાછો આવ્‍યો હતો. યુવકની માતાએ આવીને તેણીએ પણ મહિલા વકીલ સાથે ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે-હું આની માં છું... તું વકીલ હોઈ તો તારા ઘરની, અમને કાયદાની કોઈ બીક નથી! ત્‍યારબાદ આ મા-દિકરા બંનેએ ભેગા મળીને મહિલા વકીલ પર માર મારવાના ઈરાદે હુમલો કર્યો હતો અને ખૂનની ધમકી આપી હતી. તેમ ફરિયાદમાં જણાવાતાં  પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:34 PM IST)