તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમે ૨૫૦૦ ભાડુ નક્કી કર્યુ'તું તમે ૨૦૦૦ કહીને ભાવ ભગાડયોઃ એમ્બ્યુલન્સ ચાલક પર હુમલો
સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે ભાડા મામલે દડુભાઇને બે ડ્રાઇવર જોગા અને રંગાએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી દીધીઃ એમ્બ્યુલન્સનો કાચ પણ ફોડી નાંખ્યોઃ પ્ર.નગરમાં ફરિયાદ : યોગેશભાઇ મિયાંત્રાને દડુભાઇએ નાક પર ઢીકો મારી ધમકી દીધાની વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨૪: શહેરની સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ બહાર ખાનગી એમ્બ્યુલન્સના ભાડા બાબતે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેમાં એક એમ્બ્યુલન્સના ચાલક પ્રોૈઢે અમરેલીના દર્દીનું રૂા. ૨૦૦૦ ભાડુ નક્કી કરતાં બીજા બે એમ્બ્યુલન્સ ચાલકોએ અમે આ ભાડુ રૂા. ૨૫૦૦મા નક્કી કર્યુ હતું, તું ભાડુ શું કામ બગાડે છે? કહી તેને ઢીકાપાટાનો માર મારી, તેની એમ્બ્યુલન્સનો કાચ ફોડી નાંખી ધમકી દેતાં સામ સામે ફરિયાદ થઇ છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે કોઠારીયા રોડ રણુજા મંદિર સામે વચ્છરાજનગર-૩માં રહેતાં દડુભાઇ રવજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી જોગા મિયાત્રા અને રંગા ઉર્ફે વિપુલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દડુભાઇ એમ્બ્યુલન્સના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ દડુભાઇ પોતાની મારૂતી ઇકો કારજીજે૦૩બીવાય-૩૨૬૭ને એમ્બ્યુલન્સ તરીકે ભાડે ફેરવે છે. સાંજે સાડા ચારેક વાગ્યે પોતાની એમ્બ્યુલન્સ લઈને સિવિલ હોસ્પિટલ ખાતે ભાડા અર્થે આવ્યા હતા.તે સમયે એક વ્યક્તિ સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઇવર પાસે એમ્બ્યુલન્સ ભાડે મેળવવા અંગે પૂછપરછ કરતાં હતાં. સરકારી એમ્બ્યુલન્સ ભાડે જતી ન હોવાનું જણાવતાં દડુભાઈએ તે વ્યક્તિ સાથે વાત કરી હતી. તેણે ડિલિવરી કેસ હોવાથી દર્દીને અમરેલી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર હોવાનું જણાવતાં દડુભાઈએ રૂ. ૨,૦૦૦નુંભાડું નક્કી કર્યું હતું.
આ પછી દડુભાઈ પોતાની ઇકો એમ્બ્યુલન્સ ઇમરજન્સી ગેટ આગળ લાવી દર્દીને બેસાડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અન્ય ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જોગાભાઈ મિયાત્રા અને રંગાભાઈ ઉર્ફે વિપુલ ત્યાં આવી પહોંચ્યા હતા. તેણે અમોએ આ વ્યક્તિ સાથે રૂ. ૨,૫૦૦ માં ભાડું નક્કી કરેલ છે, તું શું કામ ભાડું બગાડે છે? તેમ કહી દડુભાઈ સાથે ગાળાગાળી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી.
ત્યારબાદ બંને શખ્સોએ દડુભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને છાતી તથા હાથ પર નખથી ઇજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતાં જોગાભાઈ મિયાત્રાએ દડુભાઈની ઇકો કારના આગળના કાચ પર મુક્કો મારીને કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું અને હવે પછી તું અમોને મળીશ તો તને જાનથી મારી નાખશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી તેણે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ કરી હતી.
સામા પક્ષે બેડીપરા શ્રમજીવી સોસાયટી ચુનારાવાડમાં રહેતાં યોગેશ ધીરૂભાઇ મીયાત્રાએ પણ દડુભાઇ વિરૂધ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે અમરેલીનું એક ભાડુ મેં રૂા. ૨૦૦૦ નક્કી કર્યુ હતું. આ વખતે દડુભાઇ આવીને અમારા પેસેન્જરને બેસાડતો હોઇ અમે તેને ભાડા બાબતે પુછતાં તેણે હું ૧૮૦૦માં જાઉ છું તેમ કહેતાં બોલાચાલી થતાં તેણે મને નાક પર મુક્કો મારી દીધો હતો. મારા ડ્રાઇવર વિપુલભાઇએ અમને છુટા પાડયા હતાં. આ પછી દડુભાઇએ જો મારા ભાડામાં દખલગીરી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી દીધી હતી. પ્ર.નગર પીએસઆઇ બી. વી. ભગોરાએ બંને ફરિયાદ પરથી કાર્યવાહી કરી છે.
(2:10 PM IST)










