તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 5th November 2026
નવા વર્ષમાં શું કરશો ? નેહલ શુક્લએ અધિકારીઓ પાસે વિકાસકામોનો હિસાબ માંગ્યો!
અધૂરા પ્રોજેક્ટ સમયસર પૂરા કરો, નવા વર્ષમાં ઝોનવાઇઝ લોકોપયોગી કામોનું પ્લાનિંગ આપો : મેયર બંગલે યોજાયેલી બેઠકમાં અધિકારીઓની જવાબદારી નક્કી

રાજકોટ,તા.૫: મહાનગરપાલિકામાં નવા વર્ષના પ્રારંભ સાથે શહેરના વિકાસને વધુ ગતિ આપવા મેયર ડૉ. નેહલ શુક્લએ અધિકારીઓને અત્યારથી જ આયોજન તૈયાર કરવા સૂચના આપી છે. મેયર બંગલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા કરવાની સાથે નવા વર્ષમાં કયા વિસ્તારમાં કયા વિકાસકામો હાથ ધરવાના છે તેની ઝોનવાઇઝ વિગતો માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કટારિયા ચોક આઇકોનિક બ્રિજ, ન્યૂ રિંગ રોડ ફોર ટ્રેક, એશિયાટિક લાયન સફારી પાર્ક, સેન્ટ્રલ રાજકોટના રસ્તાઓ, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને સાઉથ ઝોન ઓફિસ સહિતના પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ચાલુ વર્ષે છેલ્લા એક દાયકાનો સૌથી ઓછો ૧૯.૫૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની અછત વચ્ચે આગામી વર્ષ દરમિયાન રાજકોટવાસીઓને દરરોજ પૂરી ૨૦ મિનિટ પીવાનું પાણી પહોંચાડવાનો પડકાર પણ મહાનગરપાલિકા સામે છે. આ સ્થિતિમાં પાણી વિતરણની વ્યવસ્થા જાળવવાની સાથે વિકાસકામો સમયસર પૂર્ણ થાય તે માટે મેયરે સંબંધિત અધિકારીઓ અને ઇજનેરોની જવાબદારી નક્કી કરી હોવાનું જાણવા મળે છે.
ખાસ કરીને નવા વર્ષમાં માત્ર કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટ પાછળ દોડવાને બદલે શહેરીજનોને રોજિંદા જીવનમાં સીધો લાભ મળે તેવાં નાના, જરૂરી અને ઝડપથી પૂર્ણ થઈ શકે તેવાં વિકાસકામોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓ, તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરો અને સિટી ઇજનેરો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે.
(3:25 PM IST)










