તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
હરિપર પાળમાં રૂમ ખાલી કરવાનું કહેતાં હરેશભાઇ દાફડાને સાથી કર્મી બાબુએ ધોકાથી પતાવી દીધા
લોધીકાના પ્રોઢ પત્નિ સાથે બનતું ન હોઇ એક વર્ષથી હરિપર પાળમાં ભાવેશભાઇ રાઠોડની શ્રધ્ધા ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં અને તેની રૂમમાં રહેતાં હતાં: મેટોડા પીઆઇ એમ. જે પરમારે મૃતકના ભાઇ રતીલાલ દાફડાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૨: જીલ્લામાં હત્યાની વધુ એક ઘટના બની છે. લોધીકા તાબેના હરિપર પાળ ગામે સુપેક કારખાનાની દિવાલ પાસે ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવર એવા પ્રોૈઢને આ પેઢીના જ અન્ય કર્મચારીએ આંતરી માથા, મોઢા પર ધોકા કે કોઇ બીજા સાધનથી ઘા ફટકારી હત્યા કરી નાંખતા ચકચાર જાગી છે. હત્યા કરનારાએ અન્ય એક કર્મચારી સાથે ઝઘડો કર્યો હોઇ જેથી હત્યાનો ભોગ બનનાર પ્રોૈઢે તેને ટ્રાન્સપોર્ટ કંપનીનો રૂમ ખાલી કરી જતાં રહેવાનું કહ્યું હોઇ તેનો ખાર રાખી હત્યા કરી નાંખ્યાનું ખુલ્યું છે.
આ બનાવમાં મેટોડા પોલીસે હત્યાનો ભોગ બનેલા હરેશભાઇ અમરશીભાઇ દાફડા (ઉ.વ.૫૨)ના નાના ભાઇ પડધરી તાબેના મેટોડામાં સરપદડ રોડ પર રહેતાં અને જેસીબીનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રતિલાલ અમરશીભાઇ દાફડા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી હરિપર પાળ ગામે ભાવેશભાઇ રાઠોડની ઓરડીમાં રહેતાં બાબુ ચુડાજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લઇ લીધો છે.
રતિલાલ દાફડાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારા પિતાજી હયાત નથી. માતાનું નામ બાલુબેન છે. અમે ત્રણ ભાઇઓ છીએ જેમાં મોટા હરેશભાઇ હતાં. તેનાથી નાના એક બહેન અને તેનાથી નાના હમીરભાઇ જમીન મકાનનુ઼ કામ કરે છે અને રાજકોટ રહે છે. સોૈથી નાનો હું છે. મારા ભાઇ હરેશભાઇના લગ્ન વસંતબેન સાથે થયા છે. પણ તેમની વચ્ચે મનમેળ ન હોઇ છેલ્લા એકાદ વર્ષથી હરેશભાઇ તેમનાથી અલગ હરીપર પાળ ગામે રહેતાં હતાં અને શ્રધ્ધા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. પણ અમારે તેમની સાથે આવરો-જાવરો ઓછો હતો. પ્રસંગોમાં ભેગા થાય તો અમે એક બીજા સાથે વાત કરતાં હતાં.
બપોરે ત્રણેક વાગ્યે મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે હરિપર પાળ શ્રધ્ધા ટ્રાન્સપોર્ટ ખાતેથી ભાવેશભાઇ રાઠોડ બોલતાં હોવાનું કહ્યું હતું. ભાવેશભાઇએ કહેલું કે તમારા મોટા ભાઇ હરેશભાઇના માથા, મોઢામાં લાગી ગયું છે અને રાજકોટ સરકારી હોસ્પિટલે લઇ આવ્યા છીએ. તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. આથી મેં ફરીથી ફોન જોડયો હતો અને જે થયું હોય તે સ્પષ્ટ જણાવવાનું કહેતાં ભાવેશભાઇએ કહેલું કે તમારા ભાઇમૃત્યુ પામ્યા છે તમે જલ્દી રાજકોટ આવો. આથી હું રાજકોટ આવ્યો હતો. હોસ્પિટલે મારા ભાઇનો મૃતદેહ જોતાં તેના માથાના ભાગે કાન ઉપર, નાક ઉપર, દાઢીના ભાગે ઇજાઓ જોવા મળી હતી.
બાદમાં ભાવેશભાઇ રાઠોડને પુછતાં તેણે કહેલું કે તમારા ભાઇ હરેશભાઇ બે દિવસની રજા ઉપર ગયા હતાં. આજે (બુધવારે) બપોરે જ નોકરી પર આવ્યા હતાં. અહિ અમારી ટ્રાન્સપોર્ટ કંપનીમાં અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતાં બાબુ ચુડાજી ઠાકોરને હીસાબ બાબતે બોલાવતાં તે આવ્યા હતા. હરેશભાઇનો ટ્રક અન્ય ડ્રાઇવર લઇને ગયા હોઇ જેથી તેમને આરામ કરવા કહ્યું હતું. એ પછી બપોરે એકાદ વાગ્યે હું વાડીએ હતો ત્યારે બાબુ ઠાકોરનો ફોન આવ્યો હતો અને પોતાને સતીષ ભરવાડ ઉર્ફે સતીયા સાથે બોલાચાલી થયાનું કહ્યું હતું. બાદમાં બાબુ ઠાકોર મારી ઓરડીમાં જ રહેતો હોઇ તેને ઓરડી ખાલી કરી જતાં રહેવાનું તમારા ભાઇ હરેશભાઇએ જણાવ્તાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ પછી તમારા ભાઇ મોટરસાઇકલ લઇને સુપેક કારખાના પાસેથી નીકળતાં બાબુએ તેને રસ્તામાં ઉભા રાખી માથા, મોઢામાં કોઇ સાધન વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને ભાગી ગયો હતો. તેમ ભાવેશભાઇએ મને વધુમાં કહ્યું હતું.
મેટોડા પીઆઇ એમ. જે. પરમારે રતિલાલ દાફડાની ઉપરોક્ત વિગતોને આધારે બાબુ ઠાકોર સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે. હત્યાનો ભોગ બનેલા હરેશભાઇને સંતાનમાં એક દત્તક લીધેલો દિકરો છે. તેમ વધુમાં તેમના રાજકોટ રહેતાં ભાઇએ કહ્યું હતું. (૧૪.૫)
(2:40 PM IST)










