તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
કાળીપાટમાં માતા બજારેથી હટાણું કરીને આવ્યા ત્યારે ૧૯ વર્ષનો દિકરા જયેશની લાશ લટકતી મળી
મુળ જસદણ દહીંસરાનો સોસા પરિવાર પાંચેક વર્ષથી કાળીપાટમાં રહી વાડી વાવે છેઃ જયેશ બે દિવસથી ગૂમસુમ રહેતો હતોઃ આપઘાતનું કારણ અકળઃ આજીડેમના હેડકોન્સ. એચ. એમ. ધરજીયા અને જયપાલભાઇએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૦: તાલુકાના સરધાર નજીકના કાળીપાટ ગામમાં રહેતાં મુળ જસદણના ભાડલા નજીકના દહીંસરા ગામના ૧૯ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. માતા બજારમાં હટાણું કરીને ઘરે આવ્યા ત્યારે દિકરાની લટકતી લાશ જોતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ કાળીપાટ ગામમાાં મહાકાળી મંદિર પાસે અવેડાની બાજુમાં આવેલી વાડીના મકાનમાં રહેતાં જયેશભાઇ રાયાભાઇ સોસા (ઉ.વ.૧૯) નામના યુવાને સાંજે છતના હુકમાં દોરડુ બાંધી દેહ લટકાવી આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબિબ સમક્ષીબેન પારઘીએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હેમતભાઇ એમ. ધરજીયા અને મદદનીશ જયપાલભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર જયેશભાઇ એક બહેનથી મોટો અને પરિવારનો એકનો એક દિકરો હતો. તે માતા-પિતાને ખેતી કામમાં મદદરૂપ થતો હતો. આ પરિવાર મુળ દહીંસરાનો વતની છે. પાંચેક વર્ષથી કાળીપાટમાં વાડી વાવવા રાખી હોઇ અહિ રહે છે. સાંજે જયેશભાઇના માતા મનિષાબેન બજારમાં હટાણુ કરવા ગયા હોઇ ઘરે જયેશભાઇ એકલો હતો. માતા પરત ઘરે આવી ત્યારે દિકરાને લટકતો જોતાં કલ્પાંત કરી મુકતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. પરંતુ જયેશભાઇને તબિબે મૃત જાહેર કર્યો હતો. તે બે દિવસથે કોઇ કારણે ગૂમસુમ રહેતો હતો. આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. એકના એક દિકરાના આ પગલાથી સોસા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(11:08 AM IST)










