તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
જેમાં ચાવી ટીંગાતી હોય તેવા જ વાહનો ચોરતોઃ બે મહિનામાં ૮ વાહન ઉઠાવનાર હસમુખ ઝડપાયો
ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યોઃ ભાવનગરથી રાજકોટ આવી ગોંડલ રોડ ચોકડી આસપાસ હોટેલોની બહારથી, ભીડવાળી જગ્યાએથી વાહન ચોરી ભાગી જતોઃ સસ્તામાં ચોરાઉ વાહનો ખરીદનારા બોટાદના કુલદીપ સિંધવની પણ ધરપકડ : મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ વાહનચોરીના રવાડે ચડયો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચનાથી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર અને ટીમની કામગીરી : કૃષ્ણદેવસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ અને અર્જુનભાઇ ડવની બાતમી

રાજકોટ તા. ૨૩: શહેરમાં ગોંડલ રોડ ચોકડી આસપાસની હોટેલો બહાર ભીડવાળી જગ્યાએ થોડીવાર માટે ચા-પાણી પીવા કે પાન ફાકી લેવા પોતાના વાહનોમાં ચાવી જેમની તેમ રાખીને જતાં લોકોના વાહનો ટપોટપ ચોરાઇ જતાં હતાં. બે મહિનામાં આ રીતે આઠ ટુવ્હીલર ચોરાઇ ગયા હતાં. સીસીટીવીમાં ટોપી પહેરીને આવતો શખ્સ કેદ થયો હતો. આ વાહન ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ભાવનગર કુંભારવાડાના શખ્સને ઝડપી લીધો છે. તેમજ તેની પાસેથી સસ્તામાં ચોરાઉ વાહનો ખરીદનારો બોટાદના શખ્સને પણ દબોચી લઇ કુલ રૂા. ૩,૯૫,૦૦૦ના ૮ ચોરાઉ વાહનો કબ્જે કરાયા છે. ઉઠાવગીર છેક ભાવનગરથી રાજકોટ વાહન ચોરવા જ આવતો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ ચોકડી આસપાસ ચાની હોટેલો, ખાણીપીણીની હોટેલો બહાર પાર્ક કરાયેલા અને જેમાં ચાલકે ચાવી રાખી દીધી હોઇ તેવા ૮ ટુવ્હીલર ચોરાઇ ગયા હતાં. આ ચોરીની ઘટનાઓ અંગે સાત ગુના તાલુકા પોલીસમાં એન એક ગુનો આજીડેમ પોલીસમાં નોંધાયો હતો. બંને પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ થઇ હતી. આ દરમિયાન ઉઠાવગીર શકમંદના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં. જેમાં તે ટોપી પહેરીને આવતો અને જેમાં ચાવી ટીંગાતી હોય તેવા જ વાહન ચોરીને ભાગી જતો દેખાયો હતો. જો કે તેનો ચહેરો દેખાતો નહોતો.
દરમિયાન ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ અને અર્જુનભાઇ ડવને બાતમી મળતાં ઉઠાવગીરને દબોચી લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ હસમુખ પ્રસાદભાઇ નિમાવત (ઉ.વ.૩૮-રહે. કુંભારવાડા, નારી રોડ, પાણીના અવેડા પાસે ભાવનગર) જણાવ્યું હતું. આ શખ્સની આકરી પુછતાછ થતાં તેણે રાજકોટ ગોંડલ રોડ ચોકડી આસપાસની હોટેલો બહારથી બે મહિનામાં ૮ ટુવ્હીલરની ચોરી કર્યાનું કબુલ્યું હતું. તેણે કહ્યું હતું કે તે ભાવનગરથી બસ મારફત કે બીજા વાહનમાં બેસી રાજકોટ આવતો હતો અને ગોંડલ રોડ ચોકડીએ આજીડેમ ચોકડીએ ભીડવાળી જગ્યાએ આટાફેરો કરતો હતો. જે વાહનમાં ચાવી ટીંગાતી હોઇ તે વાહન ઉઠાવી જતો હતો. પોતે છુટક મજૂરી કરે છે. હાલમાં પૈસાની ખેંચ હોઇ મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ વાહનચોરીના રવાડે ચડયો હતો.
પોલીસે વધુ પુછતાછ કરતાં તેણે ચોરાઉ વાહનો સસ્તા ભાવે બોટાદના ગઢડા તાબેના પાટણા ગામે રહેતાં કુલદીપ જેસીંગભાઇ સિંધવ (ઉ.વ.૨૭)ને વેંચી દીધાનું કબુલતાં કુલદીપને પણ પકડી લેવાયો છે. પોલીસે રૂા. ૩૦ હજારનું કાળુ હોન્ડા, ૪૫ હજારનું હીરો ડીલક્સ હોન્ડા, ૫૦ હજારનું કાળુ એક્સેસ, ૪૫ હજારનું એક્સેસ, ૪૦ હજારનું એક્સેસ, ૪૦ હજારનુ઼ અન્ય એક હોન્ડા કાળા રંગનું, ૮૦ હજારનું ડાર્ક બ્લુ એક્ટીવા અને ૬૫ હજારનું હોન્ડા સાઇન ગ્રે કલરનું મળી ૩.૯૫ લાખના આઠ ચોરાઉ વાહનો કબ્જે કર્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચનાથી પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમના પીએસઆઇ એ. એન. પરમાર, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, હસમુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અર્જુનભાઇ ડવ, અનુજભાઇ ડાંગર, મોહિલરાજસિંહ ગોહિલ, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, ગોપાલભાઇપાટીલ, રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી. વાહન ચાલકોએ પોતાના વાહનો જ્યાં પણ પાર્ક કરે તેને લોક કરી ચાવી કાઢી લેવાની આદત પાડવી જોઇએ જેથી કરીને આ પ્રકારની ચોરીથી બચી શકાય.
(2:59 PM IST)










