<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અગાસીએ મોબાઇલમાં માતા સાથે વાત કરતી વખતે વિજકરંટથી એન્‍જિનીયરીંગના છાત્ર ધ્રુવ ઝાનું મોત

કણકોટમાં સરકારી એન્‍જિનીયરીંગ કોલેજની હોસ્‍ટેલમાં બનાવઃ મુળ બિહારનો યુવાન રોબોટેક એન્‍જિનીયરીંગના પાંચમા સેમેસ્‍ટરમાં ભણતો હતોઃ પરિવારજનો, સાથી વિદ્યાર્થીઓમાં શોકની કાલીમા : અગાસી પર અજાણતા સ્‍ટ્રીટ લાઇટના પાઇપને હાથ અડી જતાં ઘટનાઃ બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ હાલ વાપી રહેતાં માતા-પિતાને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૪: કાલાવડ રોડના કણકોટ રોડ પર આવેલી હોસ્‍ટેલમાં રહેતો અને સરકારી  એન્‍જિનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરતો મુળ બિહારનો વિદ્યાર્થી ગત રાતે અગાસી પર મોબાઇલ ફોનમાં માતા સાથે વાત કરતો કરતો સ્‍ટ્રીટ લાઇટના થાંભલાના પાઇપને અજાણતાં અડી જતાં વિજકરંટ લાગતાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બેભાન હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ કણકોટ રોડ પર આવેલી સરકારી એન્‍જિનીયરીંગ કોલેજના હોસ્‍ટેલમાં રહેતો અને સરકારી એન્‍જિનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરતો ધ્રુવ મદનમોહન ઝા (ઉ.વ.૨૦) રાતે નવેક વાગ્‍યે હોસ્‍ટેલની અગાસી પર હતો ત્‍યારે મોબાઇલ ફોનમાં માતા સાથે વાત કરતો કરતો અજાણતા જ અગાસી પાસેના સ્‍ટ્રીટ લાઇટના થાંભલાને અડી જતાં તેમાંથી જોરદાર કરંટ લાગતાં પડી ગયો હતો. આ વખતે ફોનમાં માતા સાથે વાત ચાલુ હોઇ તેણે માતાને કરંટ લાગ્‍યાનું કહ્યું હતું. ત્‍યારબાદ માતાએ ધ્રુવના મિત્રને ફોન કરી ઘટનાની જાણ કરતાં મિત્રો અગાસીએ ગયા ત્‍યારે ધ્રુવ બેભાન હાલતમાં મળ્‍યો હતો.

તુરત જ હોસ્‍ટેલના સુપરવાઇઝર, રેક્‍ટર સહિતને જાણ કરવામાં આવતાં ધ્રુવને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ધ્રુવ મુળ બિહારનો વતની હતો અને ચારેક વર્ષથી તે અહિ રહી સરકારી  કોલેજમાં રોબોટેક એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતો હતો. હાલ તે પાંચમા સેમેસ્‍ટરમાં હતો. તે બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના માતા-પિતા હાલ વાપી રહે છે અને પિતા કંપનીમાં જોબ કરે છ. તેમને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં અને રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. સાથી વિદ્યાર્થીઓ,  હોસ્‍ટેલના અન્‍ય છાત્રોમાં પણ શોક છવાઇ ગયો હતો. 

(2:17 PM IST)