તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બેસતા વર્ષે સૂરાપુરાના દર્શને જતી વખતે બાઇક રિક્ષાની ઠોકરે ચડયું: થાન મનડાસરના બે પિત્રાઇ દશરથ અને રોહિતના મોત
મળીની વિરપર ચોકડીએ બનાવઃ ૧૭ વર્ષના રોહીત કટુડીયાનું ઘટના સ્થળે અને ૧૬ વર્ષના દશરથ કટુડીયાનું રાજકોટ સારવારમાં મૃત્યુઃ દશરથ અગીયારમું ભણતો હતોઃ રોહિતે અભ્યાસ છોડી દીધો હતોઃ બે ભાઇઓએ એક સાથે દિકરા ગુમાવતાં કાળો કલ્પાંત

રાજકોટ તા. ૧૩: દિવાળી-નવા વર્ષના પર્વમાં નાના મોટા અકસ્માતના બનાવો સોૈરાષ્ટ્રભરમાં બન્યા હતાં. અમુક બનાવમાં આવા અકસ્માત જીવલેણ સાબીત થયા હતાં. થાનની વિરપર ચોકડી નજીક વળાંકમાં ડબલ સવારીવાળુ બાઇક સીએનજી રિક્ષાની ઠોકરે આવી જતાં બાઇક પર સવાર મનડાસર ગામના કટુડીયા-કોળી પરિવારના બે પિત્રાઇ ભાઇઓને ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બાઇક ચલાવી રહેલા ૧૭ વર્ષના ભાઇનું બપોરે ઘટના સ્થળે અને તેનાથી નાના ૧૬ વર્ષના પિત્રાઇનું રાજકોટ સારવાર દરમિયાન સાંજે મૃત્યુ થયું હતું. બંને ભાઇઓ નવુ વર્ષ હોઇ સૂરાપુરા દાદાના દર્શને જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના થાન તાબેના મનડાસર ગામે રહેતો રોહિત દેવાભાઇ કટુડીયા-કોળી (ઉ.વ.૧૭) પોતાના કાકાના દિકરા દશરથ ઘનશ્યામભાઇ કટુડીયા (ઉ.વ.૧૬)ને બાઇકમાં બેસાડી નવા વર્ષના દિવસે એટલે કે તા. ૧૦ના બપોરે મનડાસર ગામથી સરા નજીક વેલાળા ગામે પોતાના કુટુંબના સૂરાપુરા દાદાના દર્શન કરવા જવા નીકળ્યા હતાં. આ દરમિયાન બપોરે એકાદ વાગ્યે બંને ભાઇ વિરપર ચોકડી નજીક પહોંચ્યા ત્યારે અચાનક વળાંકમાં સામેથી સીએનજી રિક્ષા આવી ગઇ હતી.ે
બાઇકને રિક્ષાની ટક્કર લાગતાં બંને ભાઇઓ બાઇક સહિત રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં ચાલક રોહિત કટુડીયાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે નાના ભાઇ દશરથ કટુડીયાને માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે થાન અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવાર બાદ સાંજે સાતેક વાગ્યે દશરથે પણ દમ તોડી દીધો હતો. આમ કલાકોના અંતરે કાકા-બાપાના બે ભાઇઓના મૃત્યુ થયા હતાં.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થાન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દશરથ બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૧૧માં ભણતો હતો. તેના પિતા છુટક ખેત મજૂરી કરે છે. જ્યારે અન્ય મૃતક રોહિત પણ બે ભાઇમાં નાનો હતો. તેણે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યા બાદ ભણતર છોડી દીધુ હતું. તેના પિતા પણ ખેત મજૂરી કરે છે. નવા વર્ષના દિવસે બે ભાઇઓએ પોતાના આશાસ્પદ દિકરાઓ ગુમાવી દેતાં કટુડીયા પરિવારમાં અને મનડાસર ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી. થાન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:26 PM IST)










