તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
પાંચ વર્ષમાં પ્રજાએ પીડા ભોગવી તો નગરસેવકો અને પદાધિકારીઓએ ‘‘સુખ સાહ્બી''પાછળ કર્યો લખલુંટ ખર્ચ

સેવાના નામે મેવાઃ પ્રજાના પૈસા ભોગવી સુખસુવિધા : લાખો રૂપિયા કાર - ઇંધણનો ખર્ચ કર્યોઃ પ્રજાના કામ માટે કોઇએ પદયાત્રા ન કરી : * દેશના તમામ રાજકીય પક્ષો વિવિધ ક્ષેત્રમાં સત્તા મળતા જ પ્રજાના નાણાથી તાગડધિન્ના કરે છે. આ તાગડધિન્નાનો રોગ સતત વધતો જાય છે. જે લોકશાહી અને પ્રજા માટે દુઃખદ છે * રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સત્રમાં ૭૨ નગરસેવકો પાછળ વિવિધ હેડ નીચે રૂપિયા છ કરોડ અળતાલીસ લાખ જેવી માતબર રકમ પ્રજાએ નગર સેવકોની સેવાઓ લેવા માટે ચુકવેલ છે પૂર્વ પાંચ પદાધિકારીઓને પ્રજાની સેવા અને શહેરના વિકાસ માટે ફાળવેલ પાંચ આધુનિક મોંઘી ગાડી(કાર) શહેરના વિવિધ વોર્ડમાં ૪,૨૭,૧૭૨ કિલોમીટર દોડેલ છે. જેથી આ ગાડીઓ પાછળ ૫૫,૬૪૯.૮૩ લીટર પેટ્રોલ અને ડિઝલનો વપરાશ થયેલો છે. જેથી આ ઈધણ ખર્ચ માટે રૂપિયા છપ્પન લાખ પાંસઠ હજાર ત્રણસો ચાલીસ પૂરાનો પ્રજાના પૈસાનો ધુમાડો થયેલ છે * મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી, પક્ષના દંડકશ્રી, શાસક પક્ષના નેતાશ્રીઓની ગાડીઓ પાછળ રીપેરીંગ ખર્ચ પાંચ વર્ષમાં ત્રેવીસ લાખ બાણુ હજાર ચારસો પંચાવન પૂરાનો ખર્ચ થયેલ છે* રાજકોટની પ્રજાએ તેના પ્રશ્નો અને શહેરના વિકાસ માટે વિવિધ હેડ નીચે નગર સેવકો અને તેના પદાધિકારીઓ માટે પાંચ વર્ષમાં રૂપિયા સાત કરોડ અઠયાવીસ લાખ સતાવન હજાર સાતસો પંચાણું પૂરા ચુકવી પ્રજાને વર્તમાન વિકાસ મળેલ છે આ શહેરને ભુતકાળમાં એવા પણ પ્રમુખ મળેલ છે જે કાર્યકરોની સાયકલમાં ઓફીસે જતા આવતા અન્ય પ્રમુખ સ્વ ખર્ચે ઓટો રીક્ષામાં કાયમી ધોરણે સફર કરતા *ચુંટાઈને આવતા તમામ પદાધિકારીઓની સુવિધા, સગવડતાને સ્વ માટે ખર્ચ કરવાની સત્તાને આર્થિક લાભો અંગે જે તે સંસ્થાની આર્થિક સ્થિતી લક્ષમાં લેવી જોઈ અને રાજ્ય સરકારે તેના ધારા સભ્યો માટે સરકારના દેવાને લક્ષમાં રાખી અતિ
રાજકોટઃ જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ પ્રજાની જાણ અને જાગૃતિ માટે શહેરની જનતાને ગત સત્રના મહાનગરપાલિકાના નગર સેવકો અને પદાધિકારીઓની જનતાની સેવા અને શહેરના વિકાસ માટે ભોગવેલ સુવિધાઓ અને તેની પાછળ જનતાના નાણામાંથી કરેલ ખર્ચની વિગત પ્રજા સમક્ષ મુકતા જણાવેલ છે કે, પાંચ વર્ષમાં શહેરના ૭૨ નગર સેવકોએ પ્રજાની સેવા અને પ્રશ્નો હલ કરવા દરેક નગર સેવકે દર મહિને રૂ.૧૨,૦૦૦/- માનદ વેતન મીટીંગ દીઠ રૂા.૫૦૦/- ભથ્થુ રૂ.૧,૦૦૦/ ટેલીફોન ભથ્થુ ૅ રૂા.૧,૫૦૦/-સ્ટેશનરી ખર્ચ, માસિક ખર્ચ રૂા. ૧૫,૦૦૦/- આ હિસાબે દર મહિને ૭૨ નગર સેવકોએ રૂા. ૧૦,૮૦,૦૦૦/- મેળવેલ છે. પાંચ વર્ષના અંતે આ તમામ નગર સેવકો પાછળ રૂા.૬,૪૮,૦૦,૦૦૦/અંકે રૂપિયા છ કરોડ અડતાલીસ લાખ પૂરા જેવી માતબર રકમ પ્રજાએ નગર સેવકોને હસ્તા મોઢે ચુકવેલ છે.
મેયરશ્રીઓએ પાંચ વર્ષમાં મુસાફરી માટે રૂા.૧,૪૯,૦૦૦/- તથા તેમના મુલાકાતીઓ માટે સ્વાગત સરભરા માટે રૂા. ૧૮,૫૨,૦૦૦/- વાપરેલ છે. તો સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીઓએ પણ મહેમાનોને ખૂબ જ વ્હાલથી આવકારી સ્વાગત સરભરા માટે રૂા. ૧૫,૩૭,૦૦૦/- નો ખર્ચ કરેલ છે.
મહાનગરપાલિકાના પાંચ મહત્વના પદાધિકારીઓએ ગત સત્રમાં પ્રજાની ઝડપી સેવા અને સુંદર વિકાસો માટે અતિ આધુનિક, મોંઘી ગાડી આપવાની એક પ્રથા ઉભી કરેલ છે. તો જાણો આ પ્રથાના ભાગરૂપે પદાધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં આ ગાડીનો કરેલ ઉપયોગની સમરી,
મેયરશ્રીઓની ગાડી પાંચ વર્ષ જનતાના સેવા માટે ૧,૯૭,૧૮૯ કિ.મી. ચાલેલ છે જેથી ડિઝલ ૧૭,૧૦૯ લીટર વપરાણું અને તેનો ખર્ચ રૂા. ૧૫,૩૮,૭૮૩.૪૬/- થયેલ છે.
ડે.મેયરશ્રીઓની ગાડી પ્રજાના સેવા માટે પાંચ વર્ષ ૧,૦૬,૬૩૯ કિ.મી. ચાલેલ છે જેથી ડિઝલ ૮,૫૯૧ લીટર વપરાણું અને તેનો ખર્ચ રૂા.૭,૭૨,૬૭૪.૫૪ થયેલ છે.
સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીઓની ગાડી પાંચ વર્ષ દરમ્યાન ડિઝલની ગાડી ૮૨,૬૪૩ કિ.મી. દોડી અને તેમાં ડિઝલ ૭, ૧૯૫ લીટર વપરાણું તેનો ઈધણનો ખર્ચ રૂા.૬,૪૭, ૧૧૮.૩૦/- થયેલ છે ને પેટ્રોલની ગાડી ૩૬,૯૬૦ કિ.મી. ચાલેલ તેમાં પેટ્રોલનો વપરાશ ૩,૦૫૧.૭૧ લીટર વપરાણું તેના પેટ્રોલનો ખર્ચ રૂા.૨,૮૭,૫૮૭.૨૬/- થયેલ છે. આમ ચેરમેનશ્રીએ રૂા. ૯, ૩૪, ૭૦૫.૫૬/- નું ઈધણ બાળેલ છે.
સતા પક્ષના દંડકશ્રીની ગાડી ૫૬,૩૩૭ કિ.મી. દોડી તેમાં ડિઝલ ૫,૬૮૧.૪૫ લીટર વપરાણું અને તેની પાછળ ઈધણ ખર્ચ રૂા.પ, ૧૦,૯૪૯.૧૪/- થયેલ છે. શાસક પક્ષના નેતાની ગાડી ૧,૪૭,૪૦૪ કિ.મી. દોડી તેમાં ડિઝલ ૧૪,૦૨૧.૬૭ લીટર વપરાણું અને તેની પાછળ ઈધણ ખર્ચ રૂા. ૧૨,૬૧,૧૦૯/ થયેલ છે.
ભુતકાળમાં રાજકોટ શહેરની જનતાએ ગુજરાત જનસંઘના સ્થાપક પૈકી એક કદાવર નેતા અને નગરપાલિકાના પ્રમુખ વંદનીય સ્વશ્રી હરિસીંહજી ગોહીલ ને કચેરીએ કાર્યકરોની સાયકલ ઉપર આવતા જતા જોયેલ છે તો કોંગ્રેસના અંતિ સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના પૂર્વ પ્રમુખ સ્વશ્રી ચંપકભાઈ વોરા કાયમી સ્વખર્ચે ઓટો રીક્ષાનો જ ઉપયોગ કરતા અને ઓટો રિક્ષા અકસ્માતમાં જ મૃત્યુ પામેલ.
વિશ્વના અનેક લોકશાહી દેશો જેની આર્થિક સ્થિતી ખૂબ જ મજબુત છે. તેમ છતા તેના જનપ્રતિનિધીઓ સરકારી ખર્ચે નામ પુરતી જ સગવડતા ભોગવે છે. આપણા દેશના ૮૦ કરોડ લોકો સરકારી આંકડા મુજબ સરકારી રાહતદરે મળતા અનાજથી જીવન જીવે છે, આપણા તમામ રાજકીય પક્ષના નેતા સતત ગરીબોની વાતો કરે છે પણ સતા મળતા સાદગી અને ઓછી સુવિધાથી સતા ભોગવતા નથી જે પણ નક્કર હકીકત છે. પ્રજાને આ બાબતનું દુઃખને શેષ છે. ગુજરાતમાં અનેક એવી નગરપાલિકા છે જે જાહેર જનતાની સ્ટ્રીટ લાઈટના બીલ ભરી શકતી નથી જેથી વીજ કંપની તેના કનેકશન કાપી નાંખે છે, તેમ છતાં નગરપાલિકાના પ્રમુખ એ.સી. ચેમ્બર અને નવી કાર બીનદાસ વાપરે છે.
વિવિધ રાજકીય પક્ષના નેતાઓ દેશના વિવિધ સતા મંડળમાં સતા સ્થાને છે અને તેઓ ખૂબ જ ધનવાન હોવા છતા સરકારી ખર્ચે મળતી ભવ્ય અને જાજરમાન અને ખર્ચાળ સુવિધાઓ અને આર્થિક લાભો જતા કરતા નથી જે ગરીબ લોકશાહી દેશને શોભતું નથી. તમામ રાજકીય પક્ષના નેતાઓ સ્વની સુવિધા-સગવડતા અને આર્થિક બાબતોમાં વધારો કરવાના મુદાઓમાં ખરડાઓમાં ગજબની એકતા અને ઝડપ બતાવે છે. પ્રજા આ બધુ જાણે છે પણ બોલતી નથી એ આપણા દેશની કમનસીબી છે.
વર્તમાન સમયમાં નગર સેવકો અને પદાધિકારીઓને પ્રમાણસહ વ્યાજબી સુવિધા, સગવડતા મળે તો પ્રજાને ખાસ વાંધો કે વિરોધ પણ ન હોઈ શકે, પણ દલાતરવાડી જેવી નિતીઓ અપનાવી પ્રજાને મુર્ખ ન બનાવાય.
સંકલનકાર
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
(મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦)
(3:39 PM IST)










