News of Sunday, 18th October 2026
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ભંગારના ડેલામાં હિટના ખાલી ડબ્બા પ્રેસ કરતી વખતે વિસ્ફોટ સાથે ભીષણ આગ: ઉત્તર પ્રદેશના ૩ મજૂરો દાઝ્યા : જુઓ વિડિયો
હિટના ખાલી ડબ્બામાંથી ગેસ-કેમિકલની પ્રતિક્રિયા થતાં આગ ભભૂકી: કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમે સમયસર પહોંચી રૂ. ૭ લાખનો માલસામાન બચાવ્યો, ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સિવિલ ખસેડાયા

રાજકોટ: શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા સાઈ બાબા સર્કલ નજીક રોલેક્ષ રોડ પર હૈમાય સ્ટીલ નામના ભંગારના ડેલામાં રવિવારે સાંજે અચાનક ભીષણ આગ ભુમકે ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે સાંજે ૧૬:૩૪ કલાકે નાના મવા ફાયર કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવતાં કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ફાયર વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમે પ્રાથમિક તપાસ કરતાં ભંગારના ડેલામાં રહેલા સ્ક્રેપ મશીન, ભંગારના જથ્થા તથા ઇલેક્ટ્રિક વાયરિંગમાં આગ પકડાણી હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી ટીમે તુરંત સૌપ્રથમ પાવર સપ્લાય બંધ કરાવી જરૂરી તકેદારી સાથે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ડેલાના માલિકના જણાવ્યા અનુસાર, ભંગાર તરીકે આવેલા મચ્છર અને વંદા મારવાની 'હિટ'ના ખાલી ડબ્બાઓને સ્ક્રેપ મશીનમાં પ્રેસ કરવામાં આવી રહ્યા હતા. તે સમયે ડબ્બામાં રહેલા ગેસ અને કેમિકલના અવશેષો વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા થવાના કારણે અચાનક આગ ભબકી ઉઠી હતી.
આ દૂર્ઘટનામાં કામ કરી રહેલા ત્રણ મજૂરો દાઝી ગયા હતા. જેમાં મંગેશભાઈ તિલકરામ (ઉંમર વર્ષ ૧૮), જગતભાઈ રામકુબેર (ઉંમર વર્ષ ૩૮) અને પ્રદીપભાઈ રામકુબેર (ઉંમર વર્ષ ૧૮)નો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈજાગ્રસ્તો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ બનતાની સાથે જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર સંજયભાઈ સાગઠીયા, સ્થાનિક પોલીસ કાફલો તેમજ રોલેક્ષ કંપનીનો ફાયર સ્ટાફ પણ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. આગના કારણે સ્ક્રેપ પ્રેસ મશીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, કોઠારીયા ફાયર સ્ટેશનની સમયસરની અને સરાહનીય કામગીરીને પગલે આશરે રૂ. ૭ લાખની કિંમતનો ભંગારનો જથ્થો તથા અન્ય માલસામાન બચાવી લેવાયો હતો અને આસપાસના કારખાનાઓમાં આગ પ્રસરાતાં અટકી હતી.આ બચાવ કામગીરીમાં કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ ફાયર ઓપરેટરો અનિલભાઈ કે. સોલંકી, અર્જુનભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, પારસભાઈ હઠીલા, દેવેન્દ્રસિંહ ચૌહાણ, મહેશભાઈ શીયાળ, વનરાજભાઈ પરમાર તથા ડ્રાઈવર પ્રતાપભાઈ ડાંગરે ભૂમિકા ભજવી હતી.
(7:59 PM IST)










