<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

નોકરીએથી ઘરે આવતી વખતે બાઇક ઉભેલા ટેમ્‍પોમાં અથડાયું: સિક્‍યુરીટી ગાર્ડ વશરામભાઇ પરમારનું મોત

સ્‍પીડવેલ ચોકમાં બનાવઃ બાઇકમાં સાથે બેઠેલા દસ વર્ષના દિકરાને ઇજાઃ નાના મવા રોડ આંબેડકરનગરમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: નાના મવા રોડ પર સ્‍પીડવેલ ચોકમાં બંધ ઉભેલા ટેમ્‍પો પાછળ બાઇક અથડાઇ જતાં બાઇકના ચાલક આંબેડકરનગરમાં રહેતાં યુવાનને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. સાથે બેઠેલા તેના દસ વર્ષના દિકરાને પણ ઇજા પહોંચી હતી. સિક્‍યુરીટી ગાર્ડની નોકરી પુરી કરી ઘરે આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા રોડ આંબેડકરનગરમાં રહેતાં વશરામભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.વ.૪૩) નામના યુવાન ગઇકાલે પોતાનું હોન્‍ડા શાઇન બાઇક હંકારી સ્‍પીડવેલ ચોક નજીક હવેલી ચોકથી પોતાના ઘરે જતાં હતાં ત્‍યારે અચાનક ચક્કર આવતાં કે પછી કોઇપણ કારણોસર ધ્‍યાન ન રહેતાં તેમનું બાઇક આગળ બંધ ઉભેલા ટેમ્‍પો પાછળ અથડાઇ ગયુ હતું. આ અકસ્‍માતને કારણે વશરામભાઇ અને સાથે બાઇકમાં બેઠેલો તેમનો પુત્ર રાજવીર (ઉ.વ.૧૦) રોડ પર ફેંકાઇ ગયા હતાં.

રાજવીરને ગોઠણમાં ઇજા થઇ હતી. જ્‍યારે પિતા વશરામભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર વશરામભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. તેઓ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. નોકરી પુરી કરી ઘરે આવતી વખતે આ બનાવ બન્‍યો હતો. સંતાનમાં દસ અને ચાર વર્ષના બે દિકરા છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરમાર પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. 

(4:02 PM IST)