તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 6th October 2026
હોર્ન કેમ વગાડે છે? હું ભીસ્તીવાડના હકુભાનો જમાઇ નિઝામ છું...ટોળકી રચી દાણાણીઠમાં શબ્બીર પર હુમલો
દૂધની ડેરીનો યુવાન શબ્બીર સાળા ફૈઝલ સાથે હોસ્પિટલ ચોકમાં એટીએમાં પૈસા જમા કરાવી પરત જતો હતો ત્યારે બનાવઃ એ-ડિવીઝન પોલીસે નિઝામ, હકુભાના દિકરા અબ્દુલભા, એઝાઝ, માજીદ ભાણુ અને યુવતિ સામે ગુનો નોંધ્યો : શબ્બીરને સારવાર માટે ખસેડાયા પછી કેસરી પૂલ પાસે તેના તેના મામાના દિકરા ફૈઝલ અને મિત્ર આફતાબ ઉપર પણ ટોળકી તૂટી પડી

રાજકોટ તા. ૬: દાણાપીઠમાં દૂધની ડેરી પાસે રહેતો યુવાન ટુવ્હીલરમાં પોતાના સાળાને બેસાડીને જતો હતો ત્યારે આગળ ટુવ્હીલરમાં યુવક-યુવતિ હોઇ સાઇડ કાપવા હોર્ન વગાડતાં આગળના વાહનવાળાએ તેનું વાહન ઉભુ રાખી કેમ હોર્ન વગાડે છે? તું મને ઓળખે છે હું ભીસ્તીવાડના હકુભાનો જમાઇ નિઝામ છું તેમ કહી ગાળો દીધા બાદ તેની સાથેની યુવતિએ ફોન કરી હકુભાના દિકરાઓ સહિતને બોલાવી લેતાં ઢીકાપાટુ અને છરીથી હુમલો કરી ઇજા પહોંચાડાઇ હતી. આ યુવાન સારવાર માટે દાખલ થયા બાદ આ બધાએ તેના મામાના દિકરા અને તેના મિત્રને પણ કેસરી પૂલ પાસે મારકુટ કરી છરીથી ઇજાઓ પહોંચાડી પાઇપથી પણ ફટકાર્યા હતાં.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે દૂધ સાગર રોડ હૈદરી ચોક શાળા નં. ૬૬ પાસે લાખાજીરાજ સોસાયટી-૪માં રહેતાં અને ભાવનગર રોડ શક્તિ હોટેલવાળી શેરીમાં ભંગાર બજારમાં છૂટક મજૂરી કામ કરતાં શબ્બીર વહાબભાઇ મીરઝા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી નીઝામ ગોરી, અજાણીસ્ત્રી, અબ્દુલ, માજીદ ભાણુ, એઝાઝ અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.
શબ્બીરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ભંગાર બજારમાં મજૂરી કરુ છું. સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યે સિવિલ હોસ્પિટલ ચોકી પાસે એસબીઆઇ બેંકના એટીએમમાં હું પૈસા જમા કરાવવા આવ્યો હતો. મારી સાથે મારો સાળો આફતાબ ઇસ્માઇલભાઇ મિરઝા પણ હતો. અમે એક્ટીવા જીજે૦૩એમએસ-૦૦૪૭ લઇને બાદમાં રામનાથપરા તરફ જવા નીકળ્યા હતાં. હું એક્ટીવા ચલાવતો હતો.
અમે દાણાપીઠ થઇને આગળ વધ્યા ત્યારે ત્યાં ત્રિકોણ પડે છે એ જગ્યાએ એક એક્સેસ જતું હોઇ સાઇડ કાપવા મેં હોર્ન વગાડયું હતું. આથી તેના ચાલકે આગળ તેનું એક્સેસ ઉભુ રાખી મને-કેમ હોર્ન મારે છે? કહેતાં મેં કહેલું કે તમે વચ્ચે ચાલો છો એટલે હોર્ન વગાડયું છે. આ સાંભળી તેણે ‘તું મને ઓળખે છે? હું ભીસ્તીવાડના હકુભાનો જમાઇ નિઝામ ગોરી છું' તેમ કહી મને જેમફાવે તેમ ગાળો દીધી હતી. તેના એક્ેસેસ પાછળ એક છોકરી બેઠી હતી. તેણીએ નીચે ઉતરી મને-તું થોડીવાર ઉભો રહે તેમ કહી ફોન કરી ચારેક જણાને બોલાવી લીધા હતાં. આ પછી આ બધાએ ભેગા થઇ મને માર માર્યો હતો. આ શખ્સોમાં હકુભાના બે દિકરા અબ્દુલભા અને એક અન્ય હતો. આ લોકોએ મને આડેધડ ઢીકાપાટા મારતાં હું નીચે પડી ગયો હતો.
એ દરમિયાન કોઇએ મને વાંસામાં તથા માથાના ભાગે છરીના ઉંધા ઘા મારી દીધા હતાં. આ વખતે મારા કાકાનો દિકરો સમીર હુશેનભાઇ મિરઝા આવી જતાં તેણે તથા મારા સાળાએ વચ્ચે પડી મને વધુ મારથી બચાવ્યો હતો. આ વખતે આ લોકો ત્યાંથી જતાં રહ્યા હતાં. બાદ મારા કાકાનો દિકરો સમીર મને સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. આ પછી મારા કાકાના દિકરા સમીરે મને વાત કરી હતી કે તારા માનો દિકરો ફૈઝલ ફરોઝભાઇ બેલીમ (ઉ.વ.૨૩-રહે. મોસ્લી લઇાન કેસરી પૂલ પાસે) અને તારો ભાઇબંધ આફતાબ બંને કેસરી પૂલ નજીક રઝવી પાન પાસે હતાં ત્યારે નિઝામ ગોરી, હકુભાના બે દિકરા અબ્દુલભા, એઝાઝ અને માજીદ ભાણુએ આવી તારા વિશે પુછીને ઢીકાપાટુ માર્યા છે. જેમાં આફતાબને હાથના અંગુઠામાં અને ફૈઝલને કપાળે તથા હાથ, પગમાં ઇજાઓ થઇ હતી. આ લોકોમાંથી કોઇએ પાઇપથી પણ આ બંનેને માર માર્યો છે. આ પછી ફૈઝલ બેલીમ પણ સારવાર માટે દાખલ થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. પી. જી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:19 PM IST)










