News of Saturday, 2nd May 2026
૧૦ વાળી બીડીના ૧૨ રૂપિયા કેમ લીધા? પુછતાં દેવડા ગામે પરેશભાઇ અને તેના પિતા પર હુમલો
દૂકાનદાર વિનોદે દુકાને ડખ્ખો કર્યો પછી વિક્રમ, મોહન સહિતનાને સાથે લઇ ઘરે આવી પાઇપ-ધોકાથી હુમલો કર્યોઃ પિતા-પુત્ર રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: ગોંડલના દેવડા ગામે પાની દુકાને બીડીના વધુ ભાવ લેવા મામલે એક યુવાનને દૂકાનદાર સાથે બોલાચાલી થયા બાદ તે ઘરે જતો રહેતાં ખાર રાખી આ દૂકાનદાર પોતાની સાથે બીજા શખ્સોને લઇ આ યુવાનના ઘરે પહોંચી ગયો હતો અને ધોકા-પાઇપથી હુમલો કરી યુવાનને મારકુટ કરી હતી. વચ્ચે પડેલા તેના વૃધ્ધ પિતાને પણ ઇજા પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ દેવડા ગામે રહેતાં પરેશભાઇ મીઠાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) સાંજે ઘરે હતાં ત્યારે ગામના પાનની દૂકાનવાળા વિનોદ ભીખાભાઇ રાઠોડ, તેની સાથેના વિક્રમ, મોહનભાઇ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં દકોરો મચી જતાં પરેશભાઇના પિતા મીઠાભાઇ દેશાભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી લીધી હતી. દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
પરેશભાઇ અને તેના પિતાને ઇજા થઇ હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પરેશભાઇના કહેવા મુજબ તે બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા અને અપરિણીત છે. તે છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે પોતે વિનોદની દુકાને વકીલછાપ બીડી લેવા ગયો હતો. પરંતુ દૂકાનદારે રૂપિયા દસમાં મળતી બીડીના રૂપિયા બાર વસુલતાં તેને આ બાબતે પુછતાં બોલાચાલી થઇ હતી. બાદમાં પોતે ઘરે જતો રહેતાં વિનોદ સહિતનાએ ઘરે આવી હુમલો કર્યો હતો. પરેશભાઇને સારવાર માટે દાખલ કરાયો હતો. તેના પિતાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. ગોંડલ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીડીના ભાવ બાબતે મચી ગયેલી બબાલને કારણે ગામમાં પણ ચર્ચા જાગી છે
(4:15 PM IST)










