News of Friday, 20th November 2026
જંગલેશ્વર ડીમોલીશનમાં શૂરા પણ અન્ય દબાણ હટાવવા ઢીલા કેમ? દિપ્તીબેન સોલંકી
મનપાના વિપક્ષી નેતાએ અધિકારીઓને અરીસો દેખાડયો ચાર-ચાર ટીપીઓ છતા કામગીરી ઠપ્પ! ડીએમસીને પણ અધિકારીઓ ગાંઠતા નથીઃ કોંગ્રેસના આક્ષેપથી ખળભળાટ

રાજકોટઃ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ ટીપી શાખાની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અગાઉ એક ટીપીઓ હોવા છતાં કામગીરી થતી હતી, જ્યારે હવે ચાર-ચાર ટીપીઓ હોવા છતાં કામગીરીમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. ચાર અધિકારીઓ હોય તો કામગીરી પણ ચાર ગણી થવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે.
જંગલેશ્વરમાં ડિમોલીશન માટે જે ઝડપ દાખવવામાં આવી હતી તેવી ગંભીરતા અન્ય વોર્ડ અને ઝોનમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં કેમ દાખવાતી નથી? ટીપી શાખાના અધિકારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ ગાંઠતા નથી તેવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.
અધિકારીઓએ આપેલી વિગતો મુજબ વેસ્ટ ઝોનમાં ૨૬૧ બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાંથી માત્ર ચાર બાંધકામો તોડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં ૧૨૪ પૈકી ૪૨ અને ઈસ્ટ ઝોનમાં ૨૨૫ પૈકી ૫૬ બાંધકામો તોડવામાં આવ્યા હતા. જ્યારે જંગલેશ્વરમાં એકસાથે ૧૪૮૫ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ટીપી શાખા કમિશનરની સૂચના મુજબ કામગીરી કરે છે અને હાલમાં કોઈ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલુ નથી.
(4:14 PM IST)










