News of Friday, 13th November 2026
પતિએ થોડીવાર પછી કપડા લેવા જવાનું કહેતાં પત્નિનો ફાંસો ખાઇ આપઘાત
આજીડેમ ચોકડી શ્રીરામ પાર્કમાં દિવાળીને દિવસે ફાંસો ખાઇ લેનાર અનિતાબેન ખેંગારનું મોતઃ બે બાળકો મા વિહોણા થયા

રાજકોટ તા. ૧૩: આજીડેમ ચોકડી નજીક માનસરોવર પાર્ક પાસે શ્રીરામ પાર્ક-૧માં રહેતી અનિતાબેન હરિસિંહ ખેંગાર-રજપૂત (ઉ.વ.૩૬) નામની મુળ યુપીની પરિણીતાએ તા. ૮ના દિવાળીના દિવસે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેણીનું સારવાર દરમિયાન ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આપઘાત કરનાર અનિતાબેનના લગ્ન સોળ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે દિકરા છે. પતિ ફેક્ટરીમાં કામ કરે છે. તેના કહેવા મુજબ દિવાળીને દિવસે પત્નિને બાળકોના કપડા લેવા અને બજારમાં ખરીદી કરવા જવું હતું. પણ ઘરનું સફાઇ કામ થોડુ બાકી હોઇ જેથી મેં તેણીને કામ પુરૂ થાય પછી જઇશું તેમ કહ્યું હતું. બાદમાં હું ફેક્ટરીએ આટો મારવા ગયો ત્યાં પાછળથી તેણીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. સારવાર દરમિયાન ગત રાતે એકાદ વાગ્યે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના તેજપાલસિંહ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવથી બે માસુમ સંતાન મા વિહોણા થઇ ગયા હતાં.
(12:34 PM IST)










