તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
શિક્ષણ સમિતિની ચૂંટણી થશે કે બીનહરીફ? કાલે ફેંસલો
જો ૧૧ ઉમેદવાર જાહેર થાય તો સમિતિ સમરસ બનશે અને ૧ર લોકો મેદાનમાં આવે તો ચૂંટણીઃ કાલે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો સ્વીકારાશેઃ ભાજપના નામો પર કાર્યકરોની મીટ

રાજકોટ, તા.૨૯: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની નિમણૂક માટે આવતીકાલે તા. ૩૦ સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે. શાસક ભાજપ દ્વારા ૧૨ ઉમેદવારો જાહેર કરીને તમામ પાસે ઉમેદવારી નોંધાવવામાં આવશે તો ચૂંટણી યોજાશે. જ્યારે ભાજપ માત્ર ૧૧ ઉમેદવારો જાહેર કરશે તો શિક્ષણ સમિતિ સમરસ બનવાની શકયતા છે. આવી સ્થિતિમાં ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક સભ્યનો બિનહરીફ સમાવેશ થશે.
શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની નિમણૂક માટે હોદ્દાની રૂએ ચૂંટણી અધિકારી એવા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તા. ૩૦ સપ્ટેમ્બરે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.
શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં માત્ર કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે. કોર્પોરેટરોની સંખ્યાના આધારે પક્ષને સભ્યપદ મળે છે અને એક સભ્યને ચૂંટવા માટે ઓછામાં ઓછા છ કોર્પોરેટરોનું સંખ્યાબળ જરૂરી હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ પાસે ૬૫ અને કોંગ્રેસ પાસે સાત કોર્પોરેટરો છે. આ સંખ્યાબળ પ્રમાણે ભાજપને ૧૧ અને કોંગ્રેસને એક સભ્યપદ મળી શકે તેમ છે.
જોકે ભાજપ ૧૧ને બદલે ૧૨ ઉમેદવારો જાહેર કરી તમામને દાવેદારી કરાવશે તો સમિતિ સમરસ નહીં બને અને સભ્યોની નિમણૂક માટે મતદાન હાથ ધરવું પડશે. ચૂંટણીમાં કોર્પોરેટરોએ ઉમેદવારોને પસંદગીના ક્રમ પ્રમાણે પ્રેફરન્સ મત આપવાના હોય છે. તેથી ઉમેદવારોની જીત માટે પક્ષના સંખ્યાબળની સાથે પ્રેફરન્સ મતનું આયોજન પણ મહત્ત્વનું બને છે. ભાજપ ક્રોસ વોટિંગના આધારે તમામ ૧૨ બેઠકો જીતવાનો પ્રયાસ કરવા માગે તો ૧૨ ઉમેદવારો મેદાનમાં ઉતારી શકે છે. હવે ભાજપ કેટલા ઉમેદવારો જાહેર કરે છે તેના પર ચૂંટણી યોજાશે કે સમિતિ સમરસ બનશે તેનો આધાર રહેશે.
વોર્ડ નં. ૧૫ કે ૧૬ના પાયાના કાર્યકરને તક અપાશેઃ રાજદીપસિંહ જાડેજા
એક બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો
૨૦થી ૨૫ નામો પ્રદેશ હાઇકમાન્ડને મોકલાવાયા
રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વોર્ડ નં. ૧૫ અને ૧૬માંથી કોંગ્રેસના સાત કોર્પોરેટરો ચૂંટાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે અથાક પરિશ્રમ કરનાર આ બંને વોર્ડના પાયાના કાર્યકરોમાંથી કોઈ એકને શિક્ષણ સમિતિનો સભ્ય બનાવવામાં આવશે.
આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ ૨૫ નામોની યાદી મોકલવામાં આવી છે અને સાંજ સુધીમાં ઉમેદવારનું નામ નક્કી થવાની શકયતા છે. કોઈ નેતા, આગેવાન, સંગઠનનો હોદ્દેદાર કે મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી વ્યક્તિને તક આપવામાં આવશે નહીં. કોંગ્રેસને જીવંત રાખવા માટે પાયાના સ્તરે કાર્ય કરનાર નિષ્ઠાવાન કાર્યકરને પ્રતિનિધિત્વ મળે તે વિચાર સાથે નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
(3:38 PM IST)










