તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
મતદારો પક્ષ પલટુ ઉમેદવારોને ફુલડે વધાવશે કે જાકારો આપશે?
ભાજપ-કોંગ્રેસ-આપની ઉંઘ હરામઃ મતદાન પહેલા નવો મુદ્દો ઉભો થતા રાજકીય પક્ષોમાં દોડધામ

કોંગ્રેસના ઉમેદવાર દેવુબેન-અનીષભાઈએ કમળને છોડયુઃ આપના ઉમેદવાર મૌલીક દેલવાડીયા તથા જયદીપ નકુમે કેશરીયો છોડી ઝાડુ પકડયું: ભાજપના ઉમેદવાર ચંદાબેન વાળાએ પંજાને બાય બાય કર્યુઃ મહેશ પીપળીયાએ જીપીપી છોડી કમળના સહારે
રાજકોટ, તા.૨૫: કાલે મતદાન અને આજે કતલની રાત વચ્ચે હજી પણ મતદારોના અકળ મનથી રાજકીય પક્ષો મત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહયા છે. તેવામાં મુખ્ય ત્રણ પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રથમ ચૂંટણી લડતા પક્ષ પલટુ ઉમેદવારીનો મુદ્દો ચર્ચામાં આવતા પોલીટીકલ પાર્ટીઓમાં ખળભળાટ મચવાની સાથે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું રાજકીય સૂત્રોમાંથી જાણવા મળી રહયું છે.
રાજકીય સૂત્રો મુજબ કોંગ્રેસમાં લડી રહેલ વોર્ડ નં.૬ના ઉમેદવાર દેવુબેન જાદવ, વોર્ડ નં.૧૪ના અનીષ જોષીએ ભાજપનો ખેસ છોડી પંજાનો સાથ લીધો છે ત્યારે મતદારો સત્તાધારી પક્ષ ભાજપ સાથે જશે કે કોંગ્રેસ સાથે એ ચર્ચાય રહયુ છે.
જયારે આપમાંથી વોર્ડ નં.૧૦માં લડતા મૌલીક દેલવાડીયા તથા વોર્ડ નં.૧૪ના ઉમેદવાર જયદીપ નકુમે પણ કેસરીયાનો સાથ છોડી ઝાડુ પકડયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલીક દેલવાડીયાના ધર્મપત્નિ અસ્મીતાબેન દેલવાડીયાને ભાજપે ગત ટર્મમાં વોર્ડ નં.૧૨માંથી ટીકીટ આપી કોર્પોરેટર બનાવ્યા હતા.
જયારે સત્તાધારી પક્ષ ભાજપે પણ આપ અને કોંગ્રેસમાંથી ભળેલા બે લોકોને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં જીપીપીમાંથી આવેલ મહેશ પીપળીયાને વોર્ડ નં.૧૧માંથી જયારે ચંદાબેન વાળાને વોર્ડ નં.૧૪માંથી બીજેપીએ ટીકીટ આપી છે. ચંદાબેનના પતિ માણસુરભાઇ વાળા કોંગ્રેસના સક્રિય કાર્યકર રહી ચૂકયા છે.
હવે આવતીકાલે થનાર મતદાર પહેલા પક્ષ પલટુનો મુદ્દો અચાનક ઉભરી આવતા ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો કઇ રીતે તેને હેન્ડલ કરે છે તે તો મંગળવારે મત ગણતરી બાદ જ સ્પષ્ટ થઇ શકશે.
(3:37 PM IST)










