News of Thursday, 24th September 2026
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલની મુલાકાતના ૨૪ કલાકમાં જ કાર્યવાહી શરૂ
દર્દીઓની સુવિધાઓ વધારવા PIU (Health) વિભાગની સ્થળ મુલાકાતઃહોસ્પિટલમાં ઉપરના માળનું વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટર અને દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા ઊભી કરાશે

રાજકોટઃ તા.ર૪, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સુવિધાસભર અને દર્દીકેન્દ્રિત બનાવવાના અભિગમને આગળ વધારતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ગત તા. ૨૨ સપ્ટેમ્બરના રાત્રે ગરુડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ રાત્રિના સમયે હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સ્વજનો તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી હોસ્પિટલની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતો અંગે વિસ્તળત સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાને લઈ આરોગ્ય મંત્રીશ્રીએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે તાત્કાલિક પગલાં ભરવા PIU વિભાગને ટેલીફોનીક સૂચના આપી હતી.
મંત્રીશ્રીની સૂચનાના માત્ર ૨૪ કલાકની અંદર જ PIU (Health) વિભાગના અધિકારીઓ દ્વારા ગરુડેશ્વર SDH હોસ્પિટલની સ્થળ મુલાકાત લઈ જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીશ્રીની સંવેદનશીલ અને દર્દીકેન્દ્રિત પહેલના પરિણામે ગરુડેશ્વર SDH હોસ્પિટલમાં સુવિધા વિસ્તરણની કામગીરીને નવી ગતિ મળી છે. આગામી સમયમાં હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સેવા, વધારાની માળખાકીય સુવિધાઓ અને દર્દીઓના સ્વજનો માટે વધુ અનુકૂળ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનતા નર્મદા જિલ્લાના હજારો નાગરિકોને પોતાના જિલ્લામાં જ વધુ સશક્ત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.મંત્રીશ્રીની આ પહેલ રાજ્ય સરકારના ‘‘દર્દીને કેન્દ્રમાં રાખી આરોગ્ય સેવા''ના અભિગમને વધુ મજબૂત બનાવતી સાબિત થશે અને ગરુડેશ્વર SDH હોસ્પિટલને વિસ્તારની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા તરીકે વધુ સક્ષમ બનાવશે.
(2:39 PM IST)










