<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ફલેટ પાસે ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર શખ્‍સનો પથ્‍થરમારોઃ ધમકી

યુનિવર્સિટી રોડ પર ઘનશ્‍યામનગરમાં મોડી રાતે બનાવ : માથાકુટ કરનારો શખ્‍સ લોકો ભેગા થઇ જતાં ટુવ્‍હીલર મુકીને ભાગ્‍યોઃ યુનિવર્સિટી પોલીસે મીનાબેન ઉર્ફે મીરાબેન બાવલાની ફરિયાદ પરથી શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૨: યુનિવર્સિટી રોડ પર ઘનશ્‍યામનગરમાં રહેતાં એક મહિલાએ પોતાના ઘર નજીક મોડી રાતે ગાળાગાળી થતી હોઇ અજાણ્‍યા ચાર શખ્‍સો ત્‍યાં ઉભા હોઇ તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બે શખ્‍સ જતાં રહ્યા બાદ બાકીના બેમાંથી એક શખ્‍સે આ મહિલા સાથે જેમફાવે તેમ બોલી ગાળો દઇ પથ્‍થરમારો કરી હાથ, માથામાં ઇજા કરતાં અને તું મને ઓળખતી નથી કહી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ઘનશ્‍યામનગર મેઇન રોડ ચિત્રકુટ મંદિર પાસે હિંદવા હોમ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૩માં રહેતાં મીનાબેન ઉર્ફે મીરાબેન ગોવિંદભાઇ બાવલા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી એક્‍સેસ નં. જીજે૩એક્‍યુ-૮૧૮૮ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મીનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પ્રાઇવેટ નોકરી કરુ છું. રાતે બારેક વાગ્‍યે મારા ફલેટમાં હતી ત્‍યારે બારીમાંથી ગાળાગાળીનો અવાજ આવતાં હું નીચે રોડ પર જોવા જતાં ચાર શખ્‍સો ઉભા હોઇ તેને મેં અહિ ઘર પાસે ગાળો ન બોલો તેમ કહેતાં બે શખ્‍સો જણાં રહ્યા હતાં અને બાકીના બે ત્‍યાં જ ઉભા હતાં. તેમાંથી એક શખ્‍સ પાસે ૮૧૮૮ નંબરનું ટુવ્‍હીલર હતું. તે આશરે પચ્‍ચીસેક વર્ષનો અને પાતળા બાંધાનો હતો. તેમજ તેણે આખી બાંહનો ક્રીમ શર્ટ અને નીચે વાદળી જીન્‍સ પહેરેલુ હતું.

આ શખ્‍સે મારી સાથે બોલાચાલી કરતાં તેની સાથેના માણસે તેને સમજાવ્‍યો હતો. આમ છતાં તેણે ઝઘડો ચાલુ રાખી કહ્યું હતું કે-તું મને ઓળખતી નથી, તારે મને સલાહ સુચના આપવા નહિ, નહિતર મજા નહિ તેમ કહી ગાળો દેવા માંડયો હતો. મેં ગાળો બોલવાની ના પાડતાં તે થોડે દુર જઇ પથ્‍થરા લાવ્‍યા હતો અને છુટા ઘા કરતાં હું બચાવ કરતાં જતાં જમણા હાથમાં કાંડામાં ઇજા થઇ હતી. તેમજ એક પથ્‍થર માથામાં લાગી ગયો હતો. બાદમાં તે ફરીથી નજીક આવીને  -તારે શું પાવર છે? કહી ગાળો દેવા માં૯્‌યો હતો અને મને ધક્કો દઇ પછાડી દીધી હતી. જેના કારણે પગમાં ઇજા થઇ હતી. મેં રાડારાડ કરતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્‍સ તેનું વાહન મુકીને ભાગી ગયો હતો.

મને દુઃખાવો થતો હોઇ ૧૦૮ બોલાવી હતી અને સારવાર લીધી હતી. બાદમાં પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં મીનાબેને જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:43 PM IST)