News of Thursday, 26th November 2026
સાધુ વાસવાણી રોડ પર પાર્લરથી ઘરે જઇ રહેલા મહિલાનો સોનાનો ચેઇન ખેંચાયો
નંબર વગરના બાઇક પર આવેલો શખ્સ ભાવનાબેન ડાંગરના ગળામાંથી ૧.૬૦ લાખના ચેઇનની ચીલઝડપ કરી ગયોઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: શહેરમાં ચીલઝડપનો વધુ એક બનાવ બન્યો હતો. જેમાં સાધુવાસવાણી રોડ વિસ્તારમાં પાર્લરમાંથી ઘર તરફ જઈ રહેલા મહિલાના ગળામાંથી અજાણ્યો બાઈક સવાર પાછળથી ઝોંટ મારી ે૧ લાખ ૬૦ હજારની કિમતનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં સાધુ વાસવાણી રોડ ગુંજન વિહારના ગેઇટ સામે બાલાજી પાર્ક-૬ વૃંદાવન ખાતે રહેતાં ભાવનાબેન મહેશભાઈ ડાંગર (ઉ.વ. ૪૩) ૨૫મીએ સવારે સાડા દસેક વાગ્યાની આસપાસ ચાલીને ઘરની બાજુમાં આવેલ આસોપાલવ શેરી નં. ૨ સ્થિત વામ્સ પાર્લરમાં ગયા હતા. પાર્લરનું કામ પુરૂ થયા બાદ પોણા અગિયારેક વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી ભાભી સાથે ફોન પર વાત કરતા-કરતા રોડ પર ચાલીને ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ઘર નજીક આવેલ ટેલીગ્રાફ શેરી નં. ૨ના નાકા પાસે પહોંચતા પાછળથી એક અજાણ્યો મોટરસાયકલ ચાલક ધસી આવ્યો હતો.
તેણે પાછળથી ઝોંટ મારી તેણીના ગળામાં પહેરેલ આશરે ૧૫થી ૧૬ ગ્રામ વજનનો૧,૬૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઈન તોડી ચીલઝડપ કરી લીધી હતી. આરોપી નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ચલાવી રહ્યો હતો. તેણે કાળા રંગનો કોર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યુ હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કે.ડી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










