તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
જામનગર રોડ પરનો નવો ચાર લેન સાંઢીયાપુલનું કામ અંતિમ તબક્કામાં: ૨૦ દિવસનું કામ બાકી
૯૦ થી ૯પ ટકા કામ પુર્ણઃ ૭૪.૩ર કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રીજનું નવા પદાધિકારીઓ કરશે લોકાર્પણઃ મુદત સપ્ટેમ્બર પહેલા ખુલ્લો મુકવા તંત્રની તૈયારીઓ

રાજકોટ, તા. રઃ શહેરના મધ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિકની જટિલ સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પર બનાવવામાં આવી રહેલો નવો ચાર લેન રેલવે ઓવરબ્રિજ (સાંઢીયા પુલ) હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આશરે ૯૦ થી ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે અને હવે માત્ર અંદાજે ૨૦ દિવસનું કામ બાકી છે.
તાજેતરમાં રેલવે ટ્રેક ઉપરના ૩૬ મીટરના સેન્ટ્રલ સ્પાન માટે સાત વિશાળ સ્ટીલ ગર્ડર્સ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર સાથે સંકલન કરીને મોડી રાત્રે રેલવે બ્લોક દરમિયાન આ મહત્વપૂર્ણ અને જોખમી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. કુલ ૬૦૨ મીટર લાંબા અને ૧૬.૪ મીટર પહોળા આ બ્રિજનું નિર્માણ રૂા. ૭૪.૩૨ કરોડના ખર્ચે થઈ રહ્યું છે. મુખ્ય માળખું તૈયાર થઈ ગયું છે અને બાકી રહેલું ક્રોસ-ગર્ડર બ્રેસિંગનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
હાલ રેલનગર તરફથી રોડ તથા પોલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે હોસ્પિટલ ચોક તરફની એપ્રોચ રોડની કામગીરી બાકી છે. બ્રિજના તમામ કામ પૂર્ણ થયા બાદ આશરે ૩૬૦ ટન ક્ષમતાનો લોડિંગ ટેસ્ટ કરવામાં આવશે.
આ બ્રિજમાં વાહનચાલકો ઉપરાંત પદયાત્રીઓની સુવિધા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે બે RCC બોક્સ અને ૧૬૮ મીટરની રિટેનિંગ વોલ બનાવવામાં આવી છે. સાથે સાથે બ્રિજની બંને બાજુએ ૭.૫ મીટર પહોળા સર્વિસ રોડ અને ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ માત્ર ડામર તથા ફિનિશિંગનું કામ બાકી છે.
વર્ષ ૨૦૨૨ની મોરબી દુર્ઘટના બાદ જૂનો પુલ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો અને મે ૨૦૨૪માં તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. તેના કારણે જામનગર, દ્વારકા અને મોરબી તરફથી આવતી એસટી બસો અને ભારે વાહનોને લાંબો રૂટ લેવો પડતો હતો.
નવો બ્રિજ શરૂ થતાં દરરોજ આશરે ૧.૫ લાખ લોકોનો સમય અને ઈંધણ બચશે. માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક વચ્ચેની સીધી કનેક્ટિવિટી ફરી સ્થાપિત થતાં શહેરના પヘમિ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને રાજકોટવાસીઓને મોટી રાહત મળશે.
(4:16 PM IST)










