<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સૌ સાથે મળીને કામ કરો : બધાને વિશ્‍વાસમાં રાખોઃ અનિરૂધ્‍ધ દવે

મનપાના પદાધિકારીઓ-કોર્પોરેટરોને ટકોર કરતા પ્રદેશ મહામંત્રી અને શહેર ભાજપ પ્રભારી

રાજકોટ, તા.૧૯  મહાનગરપાલિકામાં ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરો વચ્‍ચે વારંવાર સર્જાતા વિવાદો અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી તથા રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ ટકોર કરી હોવાનું જાણવા મળે છે. કોર્પોરેટરો સાથે યોજાયેલી બેઠકમાં તેમણે પક્ષની શિસ્‍ત, આંતરિક એકતા અને સૌને સાથે રાખીને કામ કરવા અંગે જણાવ્‍યું હતું.

બેઠકમાં અનિરુદ્ધભાઈ દવેએ મહાનગરપાલિકામાં સતત ઊભા થતા વિવાદો અંગે સવાલ કર્યો હતો કે, ‘કોર્પોરેશનમાં આટલા બધા વિવાદો કેમ ઊભા થાય છે?' તેમણે પદાધિકારીઓને તમામ કોર્પોરેટરોને વિશ્વાસમાં લઈને કામગીરી કરવા તેમજ તેમની ફરિયાદો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળવા સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

પક્ષની આંતરિક બાબતો જાહેરમાં ન જાય તે માટે તેમણે ‘ઘરની વાત ઘરમાં જ રાખો' તેવી શિખામણ આપી હતી. પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ પક્ષહિતને સર્વોપરી રાખી સંગઠનની લાઇન તથા મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના જાહેર વિવાદ કે જૂથવાદથી દૂર રહેવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી હતી.

મહાનગરપાલિકામાં વિવાદ ઊભો ન થાય તેની વિશેષ જવાબદારી પદાધિકારીઓની હોવાનું જણાવી તેમને તમામ કોર્પોરેટરો સાથે સંકલન જાળવવા કહેવામાં આવ્‍યું હતું. સાથે જ કોર્પોરેટરોને કોઈ ફરિયાદ કે અસંતોષ હોય તો તેમની વાત સાંભળી આંતરિક સ્‍તરે તેનું નિરાકરણ લાવવા પણ તાકીદ કરવામાં આવી હતી.

બેઠકમાં તેમણે જણાવેલ કે, પક્ષની શિસ્‍ત અને મર્યાદાનો ભંગ કરનાર વ્‍યક્‍તિ પદાધિકારી હોય કે કોર્પોરેટર, કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં. જરૂર પડ્‍યે સંબંધિત સામે સસ્‍પેન્‍શન સુધીનાં શિસ્‍તભંગનાં પગલાં લેવામાં આવી શકે છે. આમ, મનપાના ભાજપ શાસનમાં ચાલી રહેલા આંતરકલહ વચ્‍ચે પ્રદેશ નેતાગીરીએ દરમિયાનગીરી કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

(3:01 PM IST)