News of Friday, 27th November 2026
આજે કે કાલે કામ ચાલુ નહિ જ થાય...હડમતીયાના જેસીંગભાઇ હેરભાને ભાઇ, ભાભી, ભત્રીજાની ધમકી
વાડીએ જવાના કોઝવેનું કામ મંજુર થયું હોઇ અધિકારી, કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરવા આવ્યા ત્યારે જ ડખ્ખો કર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: સરધાર-કુવાડવા હાઈવે નજીક આવેલી વાડીના રસ્તે મંજૂર થયેલા સરકારી કોઝવેના કામને અટકાવવા મુદ્દે બોલાચાલી, અસભ્ય વર્તન અને જાનથી મારી નાખવાની ધમકી અપાતાં ખેડુતે પોતાના જ પિતરાઇ ભાઇ, ભત્રીજા સહિતની સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવમાં આજીડેમ પોલીસે હડમીતયા ગોલીડા ગામના સરધાર-કુવાડવા હાઇવે પર રહેતાં ખેડુત જેસીંગભાઇ દેવરાજભાઇ હેરભા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી તેમના પિતરાઇ ભાઇ નારણભાઇ ખીમાભાઇ હેરભા, ભાભી હંસાબેન નારણભાઇ, ભત્રીજા કેવલ નારણભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદની વિગતો મુજબ જેસીંગભાઇની વાડીએ જવાના રસ્તે સરકારી કોઝવેનું કામ મંજૂર થયું હતું. આ કામ શરૂ કરવા માટે ગત તા. ૩૦/૧૦ના રોજ બપોરના અંદાજે એક વાગ્યાની આસપાસ જેસીંગભાઇ તેમજ કોન્ટ્રાક્ટર, જળસંચય સમિતિના અધિકારીઓ અને જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તે સમયે જેસીંગભાઇના પિતરાઈ ભાઇ, ભાભી, ભત્રીજો ત્યાં આવી પહોંચ્યા હતા અને કામ શરૂ નહીં કરવા દેવા અંગે વિરોધ કરી અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે જેસીંગભાઇએ કોન્ટ્રાક્ટર, જળસંચય સમિતિના અધિકારીઓ અને જેસીબી ચાલકને હાલ કામ બંધ રાખી બાદમાં કામ કરવાનું જણાવી પરત મોકલી આપ્યા હતા.
ત્યારબાદ નારણભાઇ સહિતનાએ ઉશ્કેરાઈ જઈ ખરાબ શબ્દો બોલી, અહીં આજે કે કાલે કામ નહીં થવા દેવાની વાત કરી હતી તેમજ જો કામ શરૂ થશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અગાઉ અરજી આપી હોઇ હવે તેના આધારે જેસીંગભાઇએ ગુનો દાખલ કરાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધ્યો છે.
પત્રકાર યુવતિના વિડીયોમાં એડીટીંગ કરી ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક પર પોસ્ટ કર્યા
ફરિયાદીને બદનામ કરવા તેના વ્યવસાયને નુકસાન થાય, સામાજીક છબી ખરડાય તે રીતે બદનક્ષી કર્યાનો આરોપઃ તાલુકા પોલીસે વિમલ બલદાણીયા સામે ગુનો નોંધ્યો
રાજકોટ તા. ૨૭: શહેરમાં દોઢસો ફુટ રીંગ રોડ વિસ્તારમાં રહેતાં મુળ અન્ય ગામના પત્રકાર યુવતિને બદનામ કરવા તેના વિડીયોનો દુરૂપયોગ કરી એડીટીંગ કરી ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક આઇડી પર પોસ્ટ કરી દેતાં એક શખ્સ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં તાલુકા પોલીસે ૨૭ વર્ષિય પત્રકાર યુવતિની ફરિયાદ પરથી વિમલ બલદાણીયા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. યુવતિ હાલ રાજકોટ રહે છે અને સોશિયલ મિડીયા પર પોતાના પત્રકારત્વને લગતા વિડીયો પોસ્ટ કરતી હોય છે. દરમિયાન વિમલ બલદાણીયા નામના શખ્સે આ વિડીયોનો દુરૂપયોગ કરી તેમાં એડીટીંગ કરી પોતાની ઓપન ઇન્સ્ટાગ્રામ આઇડી અને ફેસબૂક આઇડી પર આ વિડીયો પોસ્ટ કરી પત્રકાર યુવતિને બદનામ કરવાના ઇરાદે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીસ્ત્રીની ગરીમાને હાની પહોંચે તેવુ કૃત્ય કર્યુ હોવાનો આરોપ મુકાયો છે.
ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે આરોપીએ ફરિયાદીના પત્રકારત્વના વ્યવસાયને નુકસાની થાય અને સામાજીક છબી ખરડાય તે રીતે બદનક્ષી કરી છે. તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:50 PM IST)










