<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વિશ્વ પત્રકાર સ્વતંત્રતા દિવસઃ વર્તમાન સમયમાં લોકશાહીના ચોકીદારની અગ્નિપરીક્ષા

કલમની શકિત સામે પડકારોઃ પત્રકારત્વનું બદલાતું સ્વરૃપ, કલમ ક્યારેય ન નમેઃ સત્ય માટે પત્રકારત્વની સ્વતંત્રતાનો સંકલ્પ

 

     પત્રકારત્વ એ માત્ર વ્યવસાય નથી, પણ સમાજની જાગૃતિનું એક મિશન છે. જ્યારે કલમ સત્ય લખવાનું સાહસ કરે છે, ત્યારે જ સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાય છે. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની ગરિમા જાળવવા માટે યુનેસ્કોની ભલામણ પછી ૧૯૯૩માં સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વારા ૩ મે ને વિશ્વ પત્રકાર સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

    આ દિવસ પત્રકારો, મીડિયા હાઉસ અને નાગરિકો દ્વારા સંયુકત રીતે ઉજવાય છે. આ દિવસનો મુખ્ય હેતુ પત્રકારત્વની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની ઉજવણી કરવી, વિશ્વભરમાં પ્રેસની સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

    પત્રકારત્વ આજે એક મોટા સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના આગમનથી માહિતી પહોંચાડવાની રીત બદલાઈ ગઈ છે, પરંતુ તેની સાથે જ અનેક નૈતિક અને વ્યવહારિક પડકારો પણ ઊભા થયા છે. આ વિષયના વિવિધ પાસાઓ વિશેની ઊંડાણપૂર્વકની સમજૂતી જોઈએ.

(૧) ઙ્ગપત્રકારત્વ ક્ષેત્રના મુખ્ય પડકારોઃ  વર્તમાન સમયમાં પત્રકારો સામેના પડકારો માત્ર બહારના જ નથી, પણ આંતરિક પણ છે જેમાં,/ સત્યતા અને ગતિ વચ્ચેનો સંઘર્ષ-સોશિયલ મીડિયા પર સૌથી પહેલા સમાચાર આપવાની હોડમાં ઘણીવાર તથ્યોની તપાસ રહી જાય છે, જેનાથી લોકોમાં ખોટી માહિતી જલ્દી ફેલાય છે.- આર્થિક નિર્ભરતા-જાહેરાતો માટે કોર્પોરેટ ગૃહો કે સરકાર પર નિર્ભર રહેવાથી પત્રકારોની સ્વતંત્રતા જોખમાય છે. લોકો હવે તેમની જાહેરાત માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પસંદગી વધુ કરે છે, તેની સીધી અસર આર્થીક નિર્ભયતા પર પડે છે.-  ડિજિટલ સુરક્ષા અને ટ્રોલિંગ-સાચું બોલનારા પત્રકારોને સોશિયલ મીડિયા પર સંગઠિત રીતે ટ્રોલ કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે.- અલ્ગોરિધમની ગુલામી-કિલકસ અને વ્યૂઝ મેળવવા માટે સનસનાટી ભર્યા હેડલાઇન્સ બનાવવાનું દબાણ વધ્યું છે.

જનતા માત્ર સનસનાટીભર્યા સમાચાર જ જોશે, તો મીડિયા ગૃહો તે જ પીરસશે. નાગરિકોએ 'ગુણવત્તાયુકત પત્રકારત્વ'  ને ટેકો આપવો જોઈએ, કદાચ આર્થિક રીતે પણ, જેથી પત્રકારો જાહેરાતોના દબાણમાંથી મુકત થઈ શકે.

પત્રકારત્વ ક્ષેત્રે, AI દ્વારા નિર્મિત ભ્રામક કન્ટેન્ટનો સામનો કરવો એ આધુનિક પત્રકારની સૌથી મોટી કસોટી છે.

(૨) સોશિયલ મીડિયા યુગમાં પત્રકારત્વનું મહત્વઃ    ઘણા લોકોને લાગે છે કે સોશિયલ મીડિયાના કારણે પત્રકારત્વની જરૃર ઘટી છે, પણ વાસ્તવમાં તે ઘણી વધી છે.  નાગરિકોએ પણ જવાબદાર બનીને માહિતી શેર કરવી જોઈએ, કારણ કે દરેક નાગરિક હવે એક 'સંભવિત પત્રકાર' છે.- ભ્રામક માહિતીનું ફિલ્ટર- જ્યારે ફેક ન્યૂઝનુ પૂર આવ્યુ હોય, ત્યારે પત્રકાર એક ફિલ્ટર તરીકે કામ કરે છે જે કચરામાંથી સત્ય શોધીને આપે છે. લોકશાહીનું જીવંત પ્રસારણ-હવે કોઈ સમાચાર માટે બીજા દિવસના છાપાની રાહ જોવી પડતી નથી. સામાન્ય માણસના -'ો ત્વરિત સત્તાધીશો સુધી પહોંચે છે. નાના અવાજોને સ્થાન- મુખ્ય પ્રવાહના મીડિયા જે મુદ્દાઓ છોડી દે છે અથવા ખોટી રીતે રજૂ કરે છે, તે સોશિયલ મીડિયા દ્વારા પત્રકારો જનતા સમક્ષ લાવી શકે છે.

(૩)કેવા પ્રકારના પત્રકારત્વની આજે જરૃર છે?

   આજના સમયમાં માત્ર ઁમાહિતીઁ નહીં, પણ 'વિશ્વાસ' આપતા પત્રકારત્વની જરૃર છે.  તથ્ય-આધારિત પત્રકારત્વ-જેમાં પૂર્વગ્રહ વગર માત્ર સત્ય પીરસવામાં આવતું હોય.-તપાસાત્મક પત્રકારત્વ-સપાટી પર દેખાતા સમાચારની પાછળનું ઊંડું સત્ય બહાર લાવવાની હિંમત.- સમાધાનકારી પત્રકારત્વ-માત્ર સમસ્યાઓ ગણાવવાને બદલે સમાજને દિશા બતાવે તેવું સકારાત્મક પત્રકારત્વ. -ડેટા જર્નાલિઝમ-અસ્પષ્ટ વાતો કરવાને બદલે આંકડાઓ અને પુરાવાઓ સાથે વાત રજૂ કરવી.

(૪) સરકાર પાસે કેવી અપેક્ષા રાખી શકાયઃ     પત્રકારત્વને જીવંત રાખવા માટે સરકારની ભૂમિકા ખૂબ નિર્ણાયક બની ગઈ છે જેમાં,- સુરક્ષાની ખાતરી-પત્રકારો પર થતા હુમલાઓ રોકવા માટે કડક કાયદા અને અમલવારી હોવી જરૃરી છે. ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા પત્રકારો પાસે સંસાધનો ઓછા હોય છે અને જોખમ વધુ હોય છે. તેમની સુરક્ષા માટે વિશેષ ભાર મૂકવાની જરૃર છે.- માહિતીની સરળતા-રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) જેવી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવી જોઈએ જેથી પત્રકારો સરળતાથી સાચા ડેટા મેળવી શકે.-સ્વતંત્રતાનું સન્માન-ટીકા કરનારા પત્રકારોને દુશ્મન માનવાને બદલે, તેમની ટીકાને સુધારાની તક તરીકે જોવી જોઈએ. -ડિજિટલ મીડિયા રેગ્યુલેશન-ફેક ન્યૂઝ ફેલાવનારા અને સાચા પત્રકારો વચ્ચેનો ભેદ પારખી શકાય તેવી પારદર્શક વ્યવસ્થા હોવી જોઈએ.-સોશિયલ મીડિયા એ પત્રકારત્વ માટે ઁશસ્ત્રઁ પણ છે અને 'શાપ' પણ. જો પત્રકાર પોતાની નૈતિકતા જાળવી રાખશે, તો ટેકનોલોજી તેને વધુ મજબૂત બનાવશે.

(૫) શું વર્તમાન સમયમાં પત્રકાર ખરેખર સ્વતંત્ર છે?   આ પશ્ન આજે ગંભીર ચર્ચાનો વિષય છે. વાસ્તવિકતા જોઈએ તો પત્રકારત્વ આજે અનેક દબાણો વચ્ચે ઘેરાયેલું છે જેમાં,- રાજકીય અને કોર્પોરેટ દબાણ- મોટાભાગના મીડિયા ગૃહો અને મોટા બિઝનેસમેન રાજકીય હિતો સાથે જોડાયેલા છે, જેના કારણે પત્રકારોએ ઘણીવાર 'સેન્સરશિપ'નો સામનો કરવો પડે છે.- ડિજિટલ યુગના જોખમો-સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ફેક ન્યૂઝના યુગમાં સાચું કહેવું જોખમી બન્યું છે.- સલામતીનો અભાવ-પત્રકારો પર થતા હુમલા અને જેલવાસની ઘટનાઓ દર્શાવે છે કે પત્રકારત્વની આઝાદી આજે કાચના ટુકડા પર ચાલવા જેવી છે.

(૬)  બીજો પ્રશ્ન એ છે કે, શું પત્રકારત્વ નિષ્પક્ષ રહ્યું છે?   નિષ્પક્ષતા એ પત્રકારત્વનો આત્મા છે. પરંતુ, વર્તમાનમાં 'ટીઆરપી (TRP)'ની દોડ આને 'પ્રોપેગેન્ડા' એ નિષ્પક્ષતાને ઝાંખી પાડી દીધી છે.- ઘણીવાર સમાચારમાં તથ્યો કરતાં મંતવ્યો વધુ પીરસવામાં આવે છે.-મીડિયા હવે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવું લાગે છે 'સત્ય અને પ્રોપેગેન્ડા' જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. છતાં, આજે પણ અનેક 'ગ્રાઉન્ડ રિપોર્ટર' જીવના જોખમે તટસ્થ માહિતી લોકો સુધી પહોંચાડે છે, જે આશાનું કિરણ છે.

(૭)આજના દિવસનો સંદેશ, કલમની શકિત ક્યારેય ન નમેઃ   ૨૦મી સદીના સૌથી -ભાવશાળી અંગ્રેજી લેખક, પત્રકાર અને વિવેચક જ્યોર્જ ઓરવેલ કહેતા હતા કે, પત્રકારત્વ એ છે જે કોઈક સત્તામાં બેઠેલું વ્યકિત છુપાવવા માંગે છે, બાકી બધું તો પ્રચાર છે.''

    પત્રકારત્વના મિત્રો અને ભવિષ્યના પત્રકારો માટે મારો આ સંદેશ છે.

તમારી કલમ કોઈની ગુલામ ન બને તેનું ધ્યાન રાખજો. ભલે આજના યુગમાં પત્રકારત્વ સામે અનેક પડકારો હોય, પણ યાદ રાખજો કે અંધારું ગમે એટલું ઘેરુ હોય, સત્યનો એક નાનકડો દીવો તેને હરાવવા માટે કાફી છે.

    પત્રકારત્વ એ સત્તાને સવાલ પૂછવાનું નામ છે, સત્તાની પાછળ ચાલવાનું નહીં. જો પત્રકાર નિષ્પક્ષ અને નિર્ભીક રહેશે, તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. સાચો પત્રકાર એ છે જેનો અવાજ શોષિતો માટે ગુંજે અને અન્યાય સામે ગાજે.

    વિશ્વ પત્રકાર સ્વતંત્રતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે, આપણે સત્યના પક્ષે ઊભા રહીશું અને માહિતીની શુદ્ધતા જાળવી રાખીશું.

   ''માહિતી એ લોકશાહીનું ઈંધણ છે, પણ જો તે પ્રદૂષિત (ખોટી) હશે તો લોકશાહીનું એન્જિન બગડી જશે. ચાલો, માહિતીની શુદ્ધતાના આગ્રહી બનીએ.'' (૩પ-૮)

   પ્રાસંગિકઃ બાબુભાઇ મેનપરા

     ૯૪૨૬૨૨૭૮૮૮

(4:16 PM IST)