તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 3rd November 2026
વાહ રે ભાણેજ ! બીમારી માટે દવાના પૈસા આપ્યાઃ પાછા લેવા મામાને છરીનો ઘા ઝીંકયો
ઉછીના લીધેલા ૬૦ હજાર પરત આપવા સમય માંગતા ત્રણ સગા ભાણેજે મામાને ઘેરી લઇ છરી મારી ‘હિસાબ' કરી નાખ્યોઃ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા., ૩: કુબલીયા પરામાં બીમારીની સારવાર માટે હાથ ઉછીના લીધેલા રૂા. ૬૦ હજાર નહી આપી શકતા આધેડ પાસે ધસી જઇ ત્રણ શખ્સોએ અમારા પૈસા માંગવા છતા કેમ પરત આપતા નથી કહી ઢીકાપાટુનો માર મારી છરીનો એક ઘા ઝીંકી ગંભીર ઇજા કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
આ મામલે કુબલીયાપરામાં ચાર બાઇ માતાજીના મઢની સામે મફતીયા પરામાં રહેતા ચીનાભાઇ હરીભાઇ જાડેજા (ઉ.વ.પર) એ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર અને તેના બે ભાઇઓ વિજય અને અમીત ઉર્ફ હોજરી સામે થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તે મજુરી કામ કરે છે.
સાતેક મહિના પહેલા તેવો પોતાની બીમારીની સારવાર કરાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી સગા ભાણેજ એવા આરોપી કમલેશ ઉર્ફે યોગા (રહે. કુબલીયાપરા) પાસેથી હાથ ઉછીના રૂા. ૬૦ હજાર રોકડા લીધા હતા. બાદમાં આરોપી અવાર-નવાર પૈસાની પરત માંગણી કરતા તેને ‘હાલ મારી પાસે પૈસા નથી, થશે ત્યારે આપી દઇશ! તેમ જવાબ આપ્યો હતો. દરમીયાન ગઇકાલે આજે તે ઘર નજીક હતા ત્યારે ત્યાં ઘસી આવેલા ત્રણેય ભાઇઓએ અમે તમને ૬૦ હજાર રૂપીયા આપેલ છે તે કેમ પાછા આપતા નથી' કહેતા તેને ‘હાલ મારી પાસે પૈસાની સગવડ નથી, સગવડ થશે ત્યારે હુ઼ તમારા બધાના પૈસા પરત આપી દઇશ' તેમ જવાબ આપતા ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઇ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર મારવાનું શરૂ કર્યુ હતું.
આ સમયે કમલેશ ઉર્ફે યોગાએ તેના નેફામાંથી છરી કાઢી એક ઘા ડાબા પડખામાં ઝીંકી દેતા ગંભીર ઇજા થવાની સાથે તે લોહી લુહાણ થઇ ગયા હતા. આ સમયે તેના પુત્રી સહિતના પરિવારજનો ત્યાં આવી જતા ત્રણેય આરોપી ભાગી ગયા હતા. જયારે આ તરફ તેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
(2:53 PM IST)










