હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાહ રે જુગાડ ! ગોંડલથી પ્રયાગરાજ અને બિહાર જવા નકલી ટીકીટ બનાવી : બે ઝડપાયા
સોમનાથ-જબલપુર એકસ. ટ્રેનમાં ટીકીટ ચેકીંગ સમયે પરપ્રાંતીય શ્રમીકોનો ભાંડો ફુટી ગયો : લ્યો બોલો... વાંકાનેર રેલવે સ્ટેશન પાસે ફોનમાં બતાવેલી ટીકીટમાં હિન્દી અને અંગ્રેજીમાં લખાણની સાથે છ થી સાત જેટલા સીક્કાઓ મારેલા હતાઃ ફી પણ ૭૦૦ જ હતી!

રાજકોટ, તા., ૧૬ : આજના ડીઝીટલ યુગમાં ખરેખર ઠગો ગમે તે રીતે લોકોને અને સંસ્થાને છેતરવાના નવા-નવા કીમીયા શોધી લે છે. ઓનલાઇન હોય કે ઓફલાઇન ગમે તે રીતે ગઠીયા ડર્યા વગર લોકોને જાળમાં ફસાવતા હોય છે. પરંતુ સજાગતા અને સાવચેતીથી આ ઠગોની દુકાનો એક ઝાટકે બંધ થઇ જતી હોવાના કિસ્સા પણ સામે આવી ચુકયા છે કઇક આવી જ ઘટના રાજકોટ રેલ્વે પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ખોટી રીઝર્વેશન વાળી રેલવે ટીકીટ લઇ ગોંડલના ગુંદાળા ચોકડી પાસે કારખાનામાં રહેતા બે પરપ્રાંતીય શ્રમીકો ટ્રેનમાં મુસાફરી કરી વતનમાં જવા નિકળ્યા હતા. જો કે ટીકીટ ચેકીંગમાં તેનો ભાંડો ફુટી ગયો હતો.
આ મામલે રેલવેમાં ચીફ ટીકીટ નિરીક્ષક તરીકે નોકરી કરતા રાજનસિંહ રબિન્દ્રસિંહ રાજપુત (ઉ.વ.૩૩ રહે. એસ્કય સીટી, વેરાવળ રેલ્વે સ્ટેશન પાસે, જી. ગીર સોમનાથ, મુળ બિહાર)એ સુનીલ યશરાજ સરોજ (ઉ.વ.ર૪) અને કનૈયા ગાયા ચૌધરી (ઉ.વ. ૪૩ રહે. બંને ગુંદાળા, તા. ગોંડલ) સામે રેલ્વે પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તે સીટીઆઇ તરીકે વેરાવળ ખાતે નોકરી કરે છે.
ગઇકાલે તેની નોકરી ટ્રેનમાં ૧૧૪૬૩ સોમનાથ-જબલપુર એકસપ્રેસ ટ્રેનમાં કોચ નં. એચ-૧, એ-૧,ર,બી-૪,પ માં વેરાવળથી અમદાવાદ સુધી મુસાફરોની ટીકીટ ચેક કરવાની હતી. બે વાગ્યા આસપાસ ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશનથી આગળ તરફ રવાના થઇ હતી.
તે રાજકોટથી ટ્રેનમાં ચડેલા પેસેન્જરની ટીકીટ ચેક કરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે વાંકાનેર રેલ્વે સ્ટેશન આવતા એચ-૧ અને એસ-૧ કોચની વચ્ચે બે પેસેન્જરો ઉભા જોવા મળ્યા હતાં. ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશનથી ઉપડતા તેણે તે બને શખ્સો પાસે ટીકીટ માંગી પુછતાછ કરતા તેમણે જણાવ્યુ કે, બને ગોંડલ રેલ્વે સ્ટેશનથી બેઠા હતાં. જેમાંથી આરોપી સુનિલે ‘પ્રયાગરાજ જવાનું' અને કનૈયાએ ‘બકસર સુધી જવાનું છે' તેમ કહ્યુ હતું.
બને પાસે ટીકીટ માંગતા બને એ અલગ-અલગ ફોનમાં તેની ટિકીટો બતાવી હતી. જે નકલી હોવાની શંકા ગઇ હતી. સુનિલની ટીકીટ ચેક કરતા તેના નામની સાથે હિન્દી અને અંગ્રેજીમાં અલગ-અલગ વિગતો, રૂા. ૭૦૦ ની રકમ ઉપરાંત સહી અને ૬ જેટલા સિકકાઓ લગાવેલા જોવા મળ્યા હતાં. એટલુ જ નહી એક સિકકાની વચ્ચે રેલ્વેના લોગોનું નિશાન પણ જોવા મળ્યુ હતું. જે વેરીફાઇ કરતા ટિકીટ ખોટી હોવાનું ખુલ્યુ હતું.
આવી જ રીતે કનૈયા ચૌધરીની ફોનમાં રહેલી ટીકીટ ચેક કરતાં તેમાં પણ હિન્દી અને અંગ્રેજીમાં લખાણ સાથે અશોક સ્તંભવાળી ટીકીટ દેખાઇ હતી. જેમાં પણ ટ્રેનનો સિમ્બોલ ઉપરાંત સીટ નંબર, સહીઓ અને કુલ સાત જેટલા સિકકાઓ જોવા મળ્યા હતાં. અને ફ્રી-૬૭૦ સાથેની વિગતો લખેલી હતી. જે ટિકીટ પણ વેરીફાઇ કરતા ખોટી હોવાનું જાણવા મળતા આ મામલે ચાલુ ટ્રેને તેવો સી. એમ. આઇ. કંટ્રોલને ફોન અને વોટસએપ કરી જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પહોંચતા તેણે આર. પી. એફ.ના સ્ટાફને બને શખ્સોને સોંપી મેમો લખી આપ્યો હતો. ત્યારબાદ તે ટ્રેનમાં અમદાવાદ ગયા હતા. રાત્રે તે ત્યાં રનીંગ રૂમમાં હતા ત્યારે સુરેન્દ્રનગર આર. પી. એફ.ના સ્ટાફે ફોન કરી સુરેન્દ્રનગર બોલાવતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી તે ત્યાં રાત્રે ત્યાં પહોંચ્યા હતાં.
ત્યારબાદ આર. પી. એફ. સ્ટાફ સાથે તે રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચી ફરીયાદ નોંધાવતા રેલ્વે પોલીસ મથકના પી. આઇ. એચ. એમ. રાણાની રાહબારીમાં પીએસઆઇ જે. બી. કુરેશીએ બને શખ્સો સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. (૪.૧૨)
કારખાનામાં મજુરી કરતા બંનેને સિકયુરીટી ગાર્ડે નકલી ટીકીટ વોટસએપ કર્યાનું ખુલ્યુ
એક શ્રમિકની પુત્રીની વતનમાં સગાઇ હોવાથી ટીકીટ માટે કારખાનામાં સિકયુરીટી ગાર્ડને વાત કરતા તેનો ‘જુગાડ' કરી આપ્યો, પરંતુ ભાંડો ફુટી ગયો રેલ્વે પોલીસના પીઆઇ એચ.એમ. રાણાની રાહબારીમાં પીએસઆઇ જે.બી. કુરેશી અને ટીમ દ્વારા સિકયુરીટી ગાર્ડની શોધખોળ
રાજકોટ તા.૧૬: રેલ્વે પોલીસના પી.આઇ. એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ જે.બી. કુરેશીએ ગુનો દાખલ કરી બંને શખ્સોની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે જણાવ્યુ કે, આરોપી સુનીલ સરોજ અને કનૈયા ચોૈધરી બંને ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલ ખેડુત સોલવન્ટના કારખાનામાં રહી મજુરીકામ કરે છે.
કનૈયાની દિકરીને વતન બિહારમાં જવાનુ હતુ જયારે સુનીલને તેના વતનમાં આંટો મારવા જવુ હોવાથી આ બાબતે તેના જ કારખાનામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ યુપીના મનમોહનસીંગ નામના શખ્સને વાત કરી હતી. આ સમયે મનમોહનસીંગે તેને ટ્રેનમાં ઓનલાઇન રીઝર્વેશન કરાવી ટીકીટ કરાવી આપવાની વાત કરી હતી. જેના બદલામાં બંનેએ સિકયુરીટી ગાર્ડને ૨૩૦૦ જેટલા રૂપીયા ચુકવ્યા હતા. ત્યારબાદ તેવો ગમે તે રીતે એડીટીંગથી કરીને સુનીલ અને કનૈયાને વોટસએપમાં ટીકીટ મોકલી દીધી હતી. જે લઇ બંને શ્રમિકો ગોંડલથી સોમનાથ જબલપુર ટ્રેનમાં બેસી પોતાના કોચ તરફ ગયા હતા. પરંતુ તેની સીટ પર બીજા કોઇનું રીઝર્વેશન હોવાથી અન્ય મુસાફર સીટ પર જોવા મળતા બંનેએ ત્યાંથી દુર જઇ મનમોહનસીંગને ફોન કરી વાત કરી હતી.
આ સમયે મનમોહનસીંગે બંને શ્રમિકોને એક સ્થળે જવાનુ કહયુ હતું. પરંતુ તે પહેલા જ ટીકીટ ચેકીંગ સમયે બંનેને ઝડપી લેવાયા હતા.
હાલ પોલીસે તપાસ હાથધરી મનમોહનસીંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે પકડાયા બાદ નકલી એડીટીંગ કેટલી ટીકીટ કેવી રીતે બનાવાઇ હતી? તેણે બનાવી હતી કે અન્ય કોઇ સામેલ છે? તે સહિતની વિગતો બહાર આવશે.(૨.૨૦)










