<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

અગાઉ દુષ્‍કર્મમાં સામેલ રીન્‍કલની વધુ એક પરિણીતા સાથે બળજબરીઃ બ્‍લેકમેઇલ કરી ૧૦ લાખ પડાવ્‍યા

પતિ-દિયર નાણાકીય ફ્રોડના ગુનામાં જેલમાં હોઇ મુલાકાતે ગઇ ત્‍યારે રીન્‍કલ આંબલીયા પણ કોઇની મુલાકાતે આવ્‍યો હોઇ પરિચય થયોઃ વકિલની ઓળખાણ છે, છોડાવવામાં મદદ કરશે કહી જાળમાં ફસાવીઃ ન્‍યુડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી નાણા ખંખેર્યા : મહિલા આનાકાની કરે તો રીન્‍કલ કહેતો-હું તાંત્રિક વિદ્યા જાણુ છું, આ વિદ્યાનો ઉપયોગ કરી તારા આખા પરિવારને પતાવી દઇશઃ તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ બી.આર. ભરવાડ, એમ. એચ. મહારાજે ગુનો નોંધ્‍યોઃ આરોપી હાથવેંતમાં

રાજકોટ તા. ૩૧: શહેરમાં દુષ્‍કર્મના અલગ અલગ ત્રણ બનાવોમાં તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક કિસ્‍સામાં ભોગ બનનાર પીરણીતા છે. જેના પતિ અને દિયરને જેલમાંથી છોડાવવામાં મદદ કરવાના બહાને લેભાગુએ તેણીને ફસાવી હતી અને હવસખોરી આચરવા ઉપરાંત તેની પાસેથી ૧૦ લાખ જેવી રોકડ પણ પડાવી લીધી હતી. શખ્‍સે પોતે તાંત્રીક વિદ્યા દ્વારા તેણીના આખા પરિાવરને પતાવી દેશે તેવી ધમકી પણ દીધી હતી. તેમજ બ્‍લેકમેઇલ કરી ન્‍યુડ વિડીયો કોલ કરાવા દબાણ કરી તેના સ્‍ક્રીન રેકોર્ડીંગ લઇ તે વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ચોંકાવનારી વાત એ છે એ આ શખ્‍સ અગાઉ આજીડેમ પોલીસમાં પણ દૂષ્‍કર્મના એક ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. મહિલા જેલ ખાતે પતિ-દિયરની મુલાકાતે જતી ત્‍યાર ેઆ શખ્‍સ પણ ત્‍યાં કોઇને મળવા ગયો ત્‍યારે પરિચય થયો હતો. અન્‍ય બે કિસ્‍સામાં ભોગ બનનાર વિદ્યાર્થીનીઓ છે.

પ્રથમ બનાવમાં ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કોઠારીયા રોડ ડાયમંડ પાર્ટી પ્‍લોટ પાસે શન પાર્કમાં રહેતાં રીન્‍કલ જસમભાઇ આંબલીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેના પતિ અને દિયરની છએક મહિના પહેલા જીપીઆઇડીના ગુના સબબ ધરપકડ થયા બાદ બંને જેલહવાલે થયા હતાં. જુના ૨૦૨૬માં તેણી જેલ ખાતે પતિ, દિયરની મુલાકાતે ગઇ ત્‍યારે ત્‍યાં એક શખ્‍સ પણ કોઇની મુલાકાત માટે આવ્‍યો હતો.

આ વખતે પોતે એકલી હોઇ તેની પાસે આ શખ્‍સ આવ્‍યો હતો અને તમારું કોણ કોણ જેલમાં છે? એવી પૃછા કરી હતી. આથી તેણીએ પોતાના પતિ અને દિયર જીપીઆઇડીના ગુનામાં જેલમાં છે તેવી વાત કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ રીન્‍કલ જસમતભાઇ આંબલીયા હોવાનું અને પોતે પણ એક પરિચીતને મળવા અને તેના માટે જામીન કરાવી છોડાવવાની વ્‍યવસ્‍થા કરવા માટે આવ્‍યાનું કહ્યું હતું. તેમજ રીન્‍કલે એવી વાત પણ કરી હતી કે મારી ઓળખાણ મોટા વકિલો જસાથે છે, તેનો હું તમને કોન્‍ટેકટ કરાવી આપીશ જેથી તમારા પતિ અને દિયર બહુ ઝડપથી જેલમાંથી બહાર આવી જશે.

પરિણીતા પોલીસ કાર્યવાહી, જામીન મેળવવા સહિતની બાબતોથી અજાણ હોઇ તેને રીન્‍કલની વાતમાં ભરોસો બેસી ગયો હતો. રીન્‍કલે આ વાતચીત દરમિયાન કોન્‍ટેક્‌ટ નંબર પણ લઇ લીધા હતાં. બાદમાં તેણીએ પરિણીતા સાથે વાતચીત શરૂ કરી તેની લાગણી જીતવા દાવપેચ કર્યા હતાં અને તેણીના પતિ, દિયરને જેલમાંથી છોડાવી દેવા પોતે ગમે તે કરશે તેવી વાતો કરી હતી. આ પછી ધીમે ધીમે તેણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. એ દરમિયાન તેણીને વિડીયો કોલ કરવા મજબૂર કરી હતી. વિડીયો કોલ કરતાં તેણે સ્‍ક્રીન રેકોર્ડીંગ કરી લીધુ હતું અને તે વાયરલ કરવાની ધમકી દઇ બાદમાં ન્‍યુડ વિડીયો કોલ કરવા ધમકી આપી હતી. તેમજ અવાર-નવાર હોટેલ ખાતે લઇ જઇ બ્‍લેકમેઇલ કરી બળજબરીથી શરીર સંબંધો બાંધી લીધા હતાં.

મહિલા જો ઇન્‍કાર કરે તો રીન્‍કલ ધમકાવતો કે હું તારા પતિ, દિયરને જેલમાંથી છુટવા નહિ દઉં. આ પછી તેણે શરીર સંબંધ વખતે વિડીયો ઉતારી લીધા હતાં તે વાયરલ કરી દેવાની ધમકી આપી તેણે કટકે કટકે ઓનલાઇન તેણી પાસેથી રૂા. ૧૦ લાખ રોકડા પડાવી લીધા હતાં. રીન્‍કલ એવી પણ ધમકી આપતો હતો કે પોતે તાંત્રિક વિદ્યાનો જાણકાર છે અને જો પોતે કહે તેમ તેણી નહિ કરે તો પોતે તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરી તેણીને અને તેના આખા પરિવારને પતાવી દેશે. ફસાઇ ગયેલી આ પરિણીતાએ લાખોની રકમ આપી દીધી હોવા છતાં તે વધુને વધુ બ્‍લેકમેઇલ કરતો હોઇ અંતે તેણીએ સગાને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તાલુકા પોલીસ સ્‍ટેશનમાં તેણી પહોંચતા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી, પીઅસઆઇ એમ. એચ. મહારાજ, પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પીઆઇ એસ. આર. મેઘાણીમેડમના જણાવ્‍યા મુજબ આરોપી હાથવેંતમાં છે. તે અગાઉ પણ આજીડેમ પોલીસના દુષ્‍કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. થોડા મહિના પહેલા જ તેના વિરૂધ્‍ધ પરિણીતા સાથે દૂષ્‍કર્મનો ગુનો આજીડેમ પોલીસમાં નોંધાયો હતો. હવે તેણે બીજી પરિણીતાને ફસાવી બળજબરી આચરી હતી. અગાઉ તે ઇમિટેશનનું કામ કરતો હતો. લગ્ન બાદ તેના છુટાછેડા થઇ ગયા છે. જેલમાં તે કોઇની મુલાકાતે ગયો ત્‍યારે ભોગ બનનાર મહિલા તેના પતિ, દિયરની મુલાકાતે ગયા હોઇ રીન્‍કલે તેની સાથે પરિચય કેળવી તેના પતિ, દિયરને છોડાવી દેવાના નામે ફસાવીને બળજબરી કરી બ્‍લેકમેઇલીંગ પણ કર્યુ હતું. તેની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવશે.

(2:28 PM IST)