<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

તમે લવમેરેજ કર્યા છે ને હવે જીવતા નથી રહેવા દેવાઃ ભત્રીજીને ફઇ-ફુવાની ધમકી

હડમતીયાનો બનાવઃ લીપ્‍સાબેન હુંબલ સાસુ સાથે મંદિરે દર્શને જતાં ફુવા વિનુગીરી, ફઇ દક્ષાબેન અને તેની પુત્રવધૂએ લવમેરેજનો ખાર રાખી ડખ્‍ખો કર્યોની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: નજીક આવેલા હડમતીયા (ગોલીડા) ગામે પ્રેમ લગ્ન કરનાર નવવધુ અને તેના પતિ પર લવ મેરેજનો ખાર રાખી બોલાચાલી કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં આજીડેમ પોલીસે હડમતીયા રહેતી લીપ્‍સાબેન હિતેષભાઇ હુંબલ (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી હડમતીયામાં જ રહેતાં તેણીના ફુવા  વિનુગીરી ગોસ્‍વામી, ફઇ દક્ષાબેન વિનુગીરી અને કશીશ ગોસ્‍વામી સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ લીપ્‍સાબેને ગત તા. ૦૯/૦૪/૨૦૨૬ના રોજ હિતેશ આહિર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓના જ ગામમાં રહેતા સગા ફુવા-ફઇ રહે છે તે લવ મેરેજ બાબતે મનમાં ખાર રાખતા હતા.

અષાઢી બીજની સાંજે લીપ્‍સાબેન પોતાના સાસુ ભાવનાબેન તથા ગામના અન્‍ય મહિલાઓ સાથે ગામમાં આવેલા શંકર મંદિરે પ્રસાદ ધરાવવા ગયા હતા. તે સમયે મંદિરે હાજર ફુવા વિનુગીરી અને ફઇ દક્ષાબેન ગોસ્‍વામીએ તમે અહીં મંદિરે કેમ આવ્‍યા છો, તારે અંહિ મંદિરે નહી આવવાનું તેમ કહી બોલાચાલી કરી હતી.

બોલાચાલી દરમિયાન ફઇએ લીપ્‍સાબેન સાથે ઢીકાપાટુનો માર માર્યો હતો. સાસુ ભાવનાબેને વચ્‍ચે પડી આ મંદિર તો ગામનું છે, મારી વહુને અહિ આવવાની કેમ ના પાડો છો? તેમ કહી છોડાવવાનો પ્રયાસ કરતાં તેમને પણ ગાળો દીધી હતી.  આ વખતે વિનુગીરીએ લીપ્‍સાબેનને ફરી ધમકી આપી હતી કે જો તું અહિ આવીશ તો તને અને તારા પતિને મારી નાંખશું, ટાંટીયા ભાંગી નાંખશું.

આથી લીપ્‍સાબેન નજીકમાં તાવા પ્રસાદી બનાવી રહેલા પોતાના પતિ હિતેષભાઇને બોલાવી લાવી હતી. તેણે પણ આ લોકોને સમજાવ્‍યા હતાં કે મંદિર ગામનું છે તમે કોઇને દર્શન કરવાની ના ન પાડી શકો. આ વખતે વિનુગીરી, દક્ષાબેન અને તેની પુત્રવધૂ કશીશે ઉશ્‍કેરાઇ જઇ ગાળો દઇ હિતેષભાઇનો કાંઠલો પકડીલઇ તમે લવમેરેજ કર્યા છે ને, હવે તમને જીવતા નથી રહેવા દેવા તેમ કહી ધમકી વધુ માથાકુટ કરી હતી. માથાકુટ વખતે પચાસથી સાંઇઠ ગામલોકો હાજર હતાં. આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ સાગર એસ. પ્રધાને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:05 PM IST)