હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમને મંદિરમાં જવાનો અધિકાર નથી, ટાંટીયા ભાંગી જશેઃ રાજેશભાઇ જાદવને પાડોશીઓની ધાકધમકી
મોરબી રોડ પર રતનપર પાસેની જલારામ સોસાયટીમાં બનાવ : જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યાઃ હનુમાજીના મંદિરના સંચાલક રાજુભાઇ રામાવત, તેના દિકરા મયુર અને પાડોશી હેતલબેન તથા ચંદ્રેશભાઇ સામે કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: તાલુકાના રતનપર ગામના પાટીયા પાસે આવેલી જલારામ સોસાયટીમાં હનુમાનજીના મંદિરે જવા બાબતે એક પરિવાર સાથે અપમાનભર્યુ વર્તન કરી મારી નાખવાની ધમકી અપાતાં પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રતનપર જલરામ સોસાયટીમાં રહેતાં મુળ જામજોધપુર કલ્યાણપુરના રાજેશેભાઇ હમીરભાઇ જાદવ (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી તેની જ સોસાયટીમાં રહેતાં રાજુભાઇ રામાવત, મયુર રાજુભાઇ રામાવત, હેતલબેન ચંદ્રેશભાઇ ભલસોડ અને ચંદ્રેશભાઇ ભલસોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રાજેશભાઇ જાદવે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું. મારો એક દિકરો છોટાઉદેપુર કોર્ટમાં નોકરી કરે છે. અમારી સોસાયટીમાં હનુમાનજીનું મંદિર આવેલુ છે, જેનું સંચાલન બાજમુાં રહેતાં રાજુભાઇ રામાવત કરે છે. તેઓ મને કે મારા પરિવારજનોને આ મંદિરમાં જવા દેતાં ન હોઇ અમે કદી પણ આ મંદિરમાં જતાં નહોતાં. પરંતુ ગત ૨૨/૧ના રોજ ગામના સરપંચ લાલભા અમારી સોસાયટીમાં આવ્યા ત્યારે મેં અને મારા પત્નિ સપનાબેને સરપંચને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારે સરપંચે મંદિરમાં જવાનો અધિકાર બધાનો છે, કોઈ રોકી ન શકે, તમે મંદિરે જજો. તેમ કહ્યું હતું.
બાદમાં સરપંચની ખાતરી બાદ એ જ દિવસે રાતે નવેક વાગ્યે સપનાબેન મંદિર પાસે આવેલા ચબૂતરે સોસાયટીની અન્ય મહિલાઓ સાથે બેસવા ગયા હતા. આ વાતનો ખાર રાખીને બીજા દિવસે એટલે કે તા. ૨૩/૦૬ના રોજ સવારે સાતેક વાગ્યે પડોશી રાજુભાઈ રામાવત, તેમનો દીકરો મયુર રામાવત તથા હેતલબેન ચંદ્રેશભાઈ ભલસોડ અને તેમના પતિ ચંદ્રેશભાઈ ભલસોડે રાજેશભાઈના ઘર પાસે આવી સપનાબેન સાથે ઉગ્ર ઝઘડો કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. દેકારો સાંભળીને રાજેશભાઈ અને તેમનો દીકરો જય ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ શખ્સોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને આખા પરિવારને જાહેરમાં બેફામ ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આરોપીઓએ જાહેરમાં આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે તમને મંદિરમાં જવાનો અધિકાર નથી. આ પછી રાજુભાઈએ રાજેશભાઈનો કોલર પકડીને ધમકી આપી હતી કે-હવે તારી બાયડીને સમજાવી દેજે કે મંદિરના પગથિયાં ન ચડે કે આજુબાજુ ડોકાય નહીં, નહીંતર તારા આખા ઘરના ટાંટિયા ભાંગી નાખી જાનથી મારી નાખીશ.
આ ગંભીર અને અપમાનજનક બનાવ બાદ ભોગ બનનાર પરિવાર ભારે ડરી ગયો હતો, જેના કારણે તેઓ તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ કરવા જઈ શકયા નહોતા. બાદમાં દલિત સમાજના આગેવાનોએ પરિવારને સાંત્વના આપી હિંમત બંધાવતા આખરે રાજેશભાઈએ કુવાડવા રોડ પોલીસમાં જાણ કરતાં પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે










