<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ત્રિકોણ બાગ નજીક હોટેલમાં વેલ્‍ડીંગ કામ વખતે વિજકરંટથી યુવાનનું મોત

કોઠારીયા રોડ પર રહેતો મુળ યુપીનો ૨૧ વર્ષિય લાલશા ઉર્ફે સાહિલ મજૂરી કામ કરવા આવ્‍યો અને કાળ ભેટી ગયોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૨: ત્રિકોણ બાગ નજીક આવેલી હોટેલ ખાતે વેલ્‍ડીંગ કામની મજૂરી કરતી વખતે વિજકરંટ લાગતાં મુળ યુપીના યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ ૫૦ ફુટ રોડ સુતા હનુમાન મંદિર નજીક પરસાણાનગર-૫માં રેહતો લાલશા ઉર્ફે સાહિલ નનકુશા (ઉ.વ.૨૧) નામનો યુવાન સવારે આઠેક વાગ્‍યે ત્રિકોણ બાગ નજીક હોટેલ પાર્ક ન્‍યુ ખાતે વેલ્‍ડીંગ કામની મજૂરી કરવા આવ્‍યો હોઇ અહિ કામ કરતી વખતે કોઇનો ફોન આવતાં વાત કરતો હતો તે વખતે અચાનક હાથમાં ઇલેક્‍ટ્રીક વાયર હોઇ તેમાંથી કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝન પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર લાલશા મુળ યુપીનો વતની હતો અને ચાર ભાઇ તથા બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે સાગર ફેબ્રીકેશનમાં મજુરી કરતો હોઇ ત્‍યાંથી હોટેલ ખાતે કામ કરવા આવ્‍યો ત્‍યારે બનાવ બન્‍યો હતો.

(2:51 PM IST)