News of Monday, 19th October 2026
આંબેડકરનગર સ્લમ આવાસમાં શિક્ષક યુવાને સળગી જઇ આત્મહત્યા કરી લીધી
છુટાછેડા બાદ મિતેશભાઇ તેરૈયા બહેન-બનેવી સાથે રણુજા મંદિર વિસ્તારમાં રહેતો હતોઃ પોતાના બંધ પડેલા મકાને આવી પગલુ ભર્યુ

રાજકોટતા. ૧૯: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતાં અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં મિતેશભાઇ જયસુખભાઇ તેરૈયા (ઉ.વ.૩૪) નામના યુવાને ગઇકાલે બપોરે ઘરમાં અગ્નિસ્નાન કર્યા બાદ સળગતી હાલતમાં બહાર દોટ મુકતાં અને પડી જતાં તેનું મોત થયું હતુ. યુવાન સળગતી હાલતમાં બહાર દોઢી આવતાં આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ ગોદડા-ચાદર નાંખી આગ ઓલવી હતી. જો કે ૧૦૮ના તબિબે તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ આપઘાત કરનાર મિતેશભાઇ તેરૈયાના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતાં. પણ બાદમાં બે વર્ષ પછી છુટાછેડા થઇ ગયા હતાં. હાલતમાં તે એકલવાયુ જીવન જીવતો હોઇ ડીપ્રેશનમાં આવી જતાં પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ સી. પી. રાઠોડે કહ્યું હતું કે મળતક મિતેશભાઇ તેરૈયાના બનેવીના કહેવા મુજબ મિતેશભાઇ પંદરેક દિવસથી ગુમસુમ રહેતો હતો. તે કોઠારીયા રોડ ઉપર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. આંબેડકરનગરમાં મવડી ૫૦ વારીયા સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-પિતા પણ હયાત નથી.
રવિવારે તે બહેન-બનેવીના ઘરેથી આંબેડકરનગરમાં આવેલા પોતાના મકાન પર આવ્યો હતો અને ઘરમાં અંદર પહોંચી અગ્નિસ્નાન કરી લીધુ હતું. બાદમાં સળગતી હાલતમાં ઘરમાંથી બહાર રસ્તા પર નીકળી ગયો હતો. લોકોએ ગોદડા નાંખી આગ બુઝાવી હતી. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
(2:10 PM IST)










