તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 17th October 2026
‘તમારો દિકરો અવળી લાઇનમાં છે'...વેપારી ભરતભાઇના ઘરમાં રાતે બે વાગ્યે ઘુસી ધમાલ
શાપરમાં ‘મફત'ની સલાહનું ‘મોંઘુ' પરિણામ આવ્યું કૌશિક ઉર્ફે કવા સહિત બે શખ્સોએ મધરાત્રે કુહાડી અને પાઇપ સાથે ઘુસી ઘરના દરવાજા અને કારમાં તોડફોડ કરી ‘ઘોબા' ઉપાડી લીધાઃ શાપર પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા.૧૭: શાપર વેરાવળમાં એસઆઇડીસી રોડ પર રહેતા અને વેરાવળ મેઇન રોડ પર ફુટવેરની દુકાન ધરાવતા મુળ ધોરાજીના મોટી વાવડી ગામના વેપારી ભરતભાઇ જીવરાજભાઇ વાળદીયા (ઉ.વ.૪૦)એ પિતાની હાજરીમાં ‘તમારો દિકરો અવળી લાઇનમાં છે' તેમ કહેવા બાબતે ખારરાખી કોૈશિક ઉર્ફે કવો મુકેશભાઇ પરમાર અને અજાણ્યા શખ્સે રાત્રે બે વાગ્યે તેના ઘરમાં ઘુસી તેને અને તેના પરિવારને ધમકી આપી ઘરના દરવાજા અને બહાર પાર્ક કારમાં તોડફોડ કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે ભરતભાઇ વાળદીયાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગઇકાલે રાત્રે ઘરે પરિવાર સાથે સુતા હતા ત્યારે ધરની બહાર બુમાબુમ થતા તેની પત્ની કંચનબેન દરવાજો ખોલીને જોતા આરોપી કોૈશિક ઉર્ફે કવો હાથમાં પાઇપ સાથે ત્યાં ઉભો હતો આરોપીએ તેની પત્ની સાથે બોલાચાલી કરી ભરત કયા છે, આજે તેને મારી નાખવો છે તેમ ધમકી આપી હતી. આ સમયે કોૈશિક સાથે અજાણ્યો શખ્સ પણ હતો તે પણ બેફામ ગાળો આપવા લાગ્યો હતો. ત્યારબાદ કૌશિકે ઘરમાં ઘુસી તે રૂમમાં હતો તેને દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજામાં કુહાડી અને પાઇપના ઘા કરી દરવાજો તોડી નાખી ગાળ આપવા લાગ્યો હતો. થોડીવાર બાદ બહાર જઇ કૌશિકે ઘર બહાર પાર્ક કારમાં પાઇપના ઘા ઝીંકી કાચ તોડી નાખી તોડફોડ કરી ત્યાંથી ભાગી ગયો હતો.
ભરતભાઇએ પોલીસને વધુમાં જણાવ્યું કે તે ગઇ કાલે રાત્રે આરોપી કૌશિકના પિતા મુકેશભાઇ સાથે પોતાની દુકાને બેઠા હતા આ સમયે આરોપી ત્યાં આવતા તેવો આરોપીના પિતાને ‘તમારો દિકરો અવળી લાઇનમાં છે તેને સમજાવો' તેમ કહયુ હતું. જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘરમાં ઘુસી ધમકી આપી તોડફોડ કરી હતી.
(3:55 PM IST)










