તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
તું હમણા બહુ હવામાં ફરે છે...કહી વિક્કીને લાફો મારી તેના મિત્ર મનોજને છરી ઝીંકાઇ
કાલાવડ રોડ એજી ચોક ક્રાઇસ્ટ સ્કૂલ સામે બગીચા નજીક બબાલ નેપાળી યુવાન સારવાર હેઠળઃ યુનિવર્સિટી પોલીસે સુશીલ, ગોૈરવ ઉર્ફે હન્ટર અને નિશાન નેપાળી વિરૂધ્ધ ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨: શહેરના કાલાવડ રોડ પર આવેલા એ.જી. ચોક નજીકના જાહેર બગીચા પાસે જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ભેગા મળી એક યુવક અને તેના મિત્ર પર હુમલો કરી પીઠના ભાગે છરીનો ઘા મારી ઢીકાપાટુ પણ મારતાં સારવાર લેવી પડી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અમીન માર્ગ પટેલ ભેળવાળી શેરીમાં બ્રિંદાવન બંગલોઝ પાસે રહેતાં મુળ નેપાળના ટીકાપુરના મનોજ હર્કબહાદુર લોહાર-નેપાળી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી સુશીલ, ગોૈરવ ઉર્ફે હન્ટર અને નીશાન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મનોજ નેપાળી ખાણીપીણીનો ધંધો કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ૩૧મીની રાત્રીના સાડા અગીયારેક વાગ્યે પોતે તથા ભાઇ મુકેશ અને તેનો મિત્ર વિક્કી પેરિયાર કાલાવડ રોડ પર આવેલા એ.જી. ચોક પાસે ક્રાઇસ્ટ સ્કૂલ સામેના બગીચા પાસે ગયા હતા. ત્યાં અગાઉથી જ તેમના જ નેપાળી સમાજના ગૌરવ ઉર્ફે હંટર, નિશાન અને સુશીલ નામના ત્રણ શખ્સો હાજર હતા.
અગાઉ જૂના રેસકોર્સમાં મેળાવાળા મેદાન ખાતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને સુશીલે-આજકાલ તું બહુ હવામાં ફરે છે તેમ કહી વિક્કી પેરિયારને ઝાપટ મારી દીધી હતી. ત્યારબાદ આ ત્રણેય શખ્સોએ ભેગા મળી વિક્કીને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ વખતે મનોજ વચ્ચે પડતાં તેને પણ ઢીકાપાટુ મારી ગાળો દીધી હતી અને ગોૈરવ તથા સુશીલે તેને તારે વિક્કી સાથે ફરવું નહિ, નહિતર તને પણ મારી નાંખશું તેમ કહી ધમકી દીધી હતી. આ વખતે સુશીલે છરી કાઢી મનોજના વાંસામાં ઘા મારી દીધો હતો. દેકારો થતાં લોકો ભેગા થતાં ત્રણેય ભાગી ગયા હતાં. મનોજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. કરણભાઇ પી. મારૂએ ત્રણેય હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










