News of Friday, 1st May 2026
યુવાની એ જીવન ઘડવાનો શ્રેષ્ઠ સમયઃ પૂ.ગિરિબાપુ
રાજકોટના મવડીમાં જય સરદાર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌધામ શિવકથાનો આજે બપોરે વિરામઃ સાંજે ૧૬ દીકરીઓના સમૂહલગ્ન

રાજકોટ, તા.,૧ : રાજકોટના મવડી વિસ્તાર ખાતે અમળતવાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ સામે જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સુપ્રસિદ્ધ શિવકથાકાર પૂ.ગિરિબાપુના સ્વમુખેથી ગૌ ધામ શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના આઠમા દિવસે પણ મહાદેવના ભક્તોનું ઘોડાપૂર સર્જાયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કથાનો લાભ લીધો હતો.પૂ.ગિરિબાપુએ સતી પ્રાગટય તથા સતિખંડનું રસપ્રદ વર્ણન કર્યું હતું.
પૂ.ગિરિબાપુએ જણાવ્યું હતું કે દક્ષપ્રજાપતિની પુત્રી સતીનું વર્ણન સતિખંડમાં કરાયું છે. દક્ષે પુત્રી જન્મનો ઉત્સવ મનાવી પુત્રી જન્મની ઉજવણીની પહેલ કરી હતી. સતી બાળપણથી જ શિવભક્ત હતી. સતી સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે અને તેઓમાં સર્વ સદગુણો સમાયેલા છે. ગીરીબાપુએ જણાવ્યું હતું કે શિવજી પાસે શ્વેતાંબર કે પીતાંબર નથી, છતાં તેઓ મહાન છે. મહાદેવના ગુણો જ તેમના સાચા આભૂષણો છે. જીવનને દેવ જેવું નહીં પરંતુ મહાદેવ જેવું બનાવવું જોઈએ. જે ગુણવાન હોય તેના સાચા ગુરુ શિવ છે.
યુવાની જીવન ઘડવાનો શ્રેષ્ઠ સમય છે તેમ જણાવતા પૂ.ગિરિબાપુએ કહ્યું કે સતીનું જીવન સરળ અને ભક્તિમય હતું. સદગુણી માણસ દરેક જગ્યાએ સફળ થાય છે. જીવનમાં સદગુણી બનવું જરૂરી છે. યુવાનીમાં મહેનત કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું અને પરિવાર પ્રસન્ન રહે તે રીતે સાધના-ઉપાસના કરવી જોઈએ. સમય એકવાર ગયો પછી પાછો મળતો નથી, તેથી જીવનમાં સારા કાર્યો માટે સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
પૂ.ગિરિબાપુએ ભક્તોને ઘરમાં તથા મંદિરમાં પૂજન કરવા જણાવ્યું હતું. સાથે જ ટકોર કરતાં કહ્યું હતું કે બંધ ઘરમાં કયારેય અગરબત્તી ન કરવી, કારણ કે તેમાં રહેલા કેમિકલ્સ ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને બાળકો અને વળદ્ધોને શ્વાસ સંબંધિત તકલીફ થઈ શકે છે. અગરબત્તી કરવી હોય તો ખુલ્લી હવામાં કરવી જોઈએ.સતી અને શિવનું મિલન કેવી રીતે થયું તેનું વર્ણન કરતા પૂ.ગિરિબાપુએ જણાવ્યું કે કિશોરાવસ્થામાં પહોંચ્યા બાદ સતીએ માતાની અનુમતિ લઈને હિમાલયમાં શિવજીને પામવા કઠોર તપ શરૂ કર્યું. શરૂઆતમાં ફળાહાર, પછી લીલા પાંદડા, બાદમાં સૂકા પાંદડા અને અંતે માત્ર જળ ગ્રહણ કરી તપ કર્યું. છેલ્લે જળનો પણ ત્યાગ કરી સંપૂર્ણ ભક્તિથી શિવ ઉપાસના કરી. શિવજી પ્રસન્ન થયા, પરંતુ સતીની પરીક્ષા લેવા વળદ્ધ સાધુનું સ્વરૂપ ધારણ કરી આવ્યા. સાધુએ શિવજીની નિંદા કરતાં સતીએ હાથ જોડી વિનંતી કરી કે શિવની નિંદા ન કરો. આ પ્રસંગ દ્વારા પૂ.ગિરિબાપુએ દૃઢ સંકલ્પ અને અડગ ભક્તિનું મહત્વ સમજાવ્યુ હતુ. આજે તારીખ ૧ મેના રોજ કથાના વિરામના નવમા દિવસે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી કથા યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૫ વાગ્યે બાલાજી ગ્રુપ દ્વારા ૧૬ જેટલી જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ તથા બાલાજી ગ્રુપ દ્વારા સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગૌધામ શિવકથામાં બાલાજી ગૃપની ભોજન સેવા
રાજકોટ, તા.,૧ : રાજકોટમાં જય સરદાર ગ્રૂપ દ્વારા ૨૩ એપ્રિલથી ચાલતી ગૌ ધામ શિવકથામાં બાલાજી ગ્રૂપ વિશાળ પટાંગણમાં ભોજન સેવા આપી રહ્યું છે. જય સરદાર ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી રસિકભાઈ મૂંગરાએ જણાવ્યું કે દરરોજ ૨૨ હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો છે.
ભોજન શાળામાં ૯૦૦ ભાઈઓ અને ૬૦૦ બહેનો સહિત કુલ ૧૫૦૦ સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. મહાપ્રસાદમાં શીરો, સુખડી, ચૂરમાના લાડુ, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, રોટલા, રોટલી, બે શાક, કઢી, ખીચડી અને છાશ પીરસાય છે. ભોજન માટે ૧૦૦ શુદ્ધ ઘીના ડબ્બા, ૪૫૦ મગફળી તેલના ડબ્બા, ૨૦૦ કપાસિયા તેલના ડબ્બા અને ઘઉં-ચણાના લોટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. રસિકભાઈ મૂંગરાએ આ સેવા કાર્ય બદલ બાલાજી ગ્રૂપનો આભાર માન્યો હતો.
ગુજરાતમાં સૌથી વધુ ખાણીપીણીની
દુકાનો રાજકોટમાં પૂ.ગિરિબાપુ
રાજકોટ, તા.,૧ : પૂ.ગિરિબાપુએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે રાજકોટની બજારમાં નીકળ્યા ત્યારે જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ અને દુકાનો દેખાઈ.
તેમણે હળવા અંદાજમાં કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ ખાણીપીણીની દુકાનો રાજકોટમાં છે. તેમણે ઉમેર્યું કે દેશમાં ભૂખથી ઓછા લોકો મરે છે, પરંતુ ખરાબ આહારને કારણે વધુ લોકો બીમાર પડે છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર જરૂરી છે.
(2:48 PM IST)










