તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
દેવભૂમિ દ્વારકા અને ભાણવડ પંથકમાં 1 ઈંચ વરસાદ:દરિયામાં ભારે પવનની શક્યતા:ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારો માટે દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના જારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાનું આગમન થતાં સ્થાનિક નાગરિકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં વરસાદની શરૂઆત થતાં મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને કારણે નગરજનોને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી મોટી રાહત મળી છે. દુષ્કાળના ભણકારા વચ્ચે પડેલા આ વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળવાની આશા બંધાઈ છે, ખાસ કરીને ખેડૂતો દ્વારા વાવેલા માંડવી એટલે કે મગફળીના પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે.
જિલ્લાના ભાણવડ પંથકમાં પણ લાંબા ઈંતેજાર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભાણવડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મેવાસા, ગુંદા અને ઐતિહાસિક ઘુમલી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સરેરાશ 1 ઈંચ જેટલું પાણી પડી જતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. સાર્વત્રિક વરસાદને પગલે સમગ્ર પંથકમાં શીતળતા પ્રસરી ગઈ છે અને ચિંતિત ધરતીપુત્રોના ચહેરા પર ફરી ખુશીની લહેર જોવા મળી રહી છે.
બીજી તરફ, હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર સાબદું બન્યું છે. આગામી 5 દિવસ સુધી દરિયામાં ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું લોકલ કોશનરી સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારો માટે દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
