News of Saturday, 10th October 2026
વિસાવદરના બરડીયા ગીરમાં ટ્રેકટરનું વ્હીલ ફરી જતાં ૧ાા વર્ષના આયુષનું મોત
રમતો રમતો ચાલુ ટ્રેકટર તરફ દોટ મુકી ભાગ્યો અને ઠોકરે આવી ગયોઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: વિસાવદરના બરડીયા ગીર ગામે વાડીમાં રહી મજુરી કરતાં મધ્યપ્રદેશના દંપતિના ૧ાા વર્ષના પુત્રનું ખેતરમાં રમતી વખતે દોડાદોડી કરતો હતો ત્યારે દોટ મુકી ચાલુ ટ્રેકટર તરફ ભાગતાં વ્હીલ નીચે આવી જતાંં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ વિસાવદરના બરડીયા ગીર ગામે કમલેશભાઇ કોટડીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના કેરીયાભાઇ તોમરનો દિકરો આયુષ (ઉ.વ.૧ાા) ગઇકાલે બપોરે બે વાગ્યે વાડીએ રમતો હતો ત્યારે ટ્રેકટરની ઠોકરે આવી જતાં અને વ્હીલ માથે ફરી જતાં બેભાન થઇ ગયો હતો. તેને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં વિસાવદર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર આયુષ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. વાડીમાં ઓપનરમાંથી મગફળીનું ભર ભરી ટ્રેકટર ચાલક ટ્રેકટર આગળ લેતાં હતાં તે વખતે જ આયુષ રમતો રમતો દોટ મુકી ટ્રેકટર તરફ ભાગીને આવતાં ઠોકરે આવી ગયો હતો અને વ્હીલ ફરી ગયું હતું.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
