તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
લીંબડીમાં આરટીઓની મંજૂરી વિના વિદ્યાર્થીઓને લઈને માર્ગ પર દોડતા ૧૦ શાળા વાહનો પકડાયા
વાહન ચાલકો કે માલિકોને નિયમભંગ બદલ રૂ.૮૩,૫૦૦નો દંડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. લીંબડી શહેરમાં બાલમંદિરથી લઈ કોલેજ સુધી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ મળીને ૨૦થી વધુ શૈક્ષણિક સંકુલો કાર્યરત છે. જેમાં ૫૦૦૦થી વધુ છાત્રો અભ્યાસ કરે છે. બાલમંદિરથી ધો.૮ સુધીના મોટાભાગના વિદ્યાર્થીઓ ખાનગી વાહનો કે સ્કૂલ વાનમાં મુસાફરી કરી શાળાએ પહોંચતા હોય છે.
છાત્રોને લાવવા-મૂકવા માટે ૫૦થી વધુ ખાનગી વાહનો માર્ગો પર દોડી રહ્યા છે. જેમાંથી મોટાભાગના વાહનો RTOની મંજૂરી વગર જ દોડી રહ્યા છે તે કદાચ વાલીઓને પણ ખબર નહીં હોય! વિદ્યાર્થીઓની સુરક્ષા અને રોડ સેફટીના નિયમોના અમલમાં મૂકવા આરટીઓ ઈન્સ્પેક્ટર એચ.બી.ગણાત્રા અને એસ.બી.વઘાસીયાની ટીમ દ્વારા લીંબડી શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આરટીઓના નિયમોનો ઉલાળ્યો કરીને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી માર્ગ ઉપર દોડતા ૧૦ વાહનોને ઝડપી લેવાયા છે. પકડાયેલા વાહનચાલકો કે તેના માલિકોને ૮૩,૫૦૦ રૂ.નો દંડ ફટકાર્યો છે. જોકે આર્થિક દંડથી વાહન ચાલકો સુધરશે તે માનવું અઘરું છે.
સ્કૂલવર્ધિના વાહનચાલકોને આરટીઓ નિયમોનું પાલન કરાવવા માટે વાલીઓ અને શાળાના સંચાલકોએ જાગળત થવું પડશે. બાકી વરસના વચલા દહાડે રોડ સેફટી કે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અનેક વાહનોમાંથી ૧૦-૧૫ વાહનોનું ચેકિંગ કરવાથી કશો ફરક પડશે નહીં તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
